રાજુલા શહેર કોંગ્રેસ દ્વારા વીજળી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓને લઇ મામલતદાર કચેરી સામે ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરો દ્વારા ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગી’ જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જાકે, ધરણા માટે મંજૂરી લેવામાં આવેલ ન હોવાથી પોલીસ દ્વારા ૧પ જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત બનેલી છે. પ્રજા વીજળી, મોંઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે જયારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચાર્યે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે. જે લાંબા સમયથી ચાલી રહેલી પરંપરાગત પધ્ધતિને બાજુએ મૂકીને અને સૈનિકોના મજબુત મનોબળને નિર્બળ બનાવવાની દિશા તરફનું પગલું છે.