ગીતાંજલિ જેમ્સના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં બજાર નિયમનકાર સેબીએ ૨.૧ કરોડ રૂપિયાની બાકી રકમ વસૂલવા માટે એક મોટું પગલું ભર્યું છે. નિયમનકારે ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીના બેંક ખાતાઓ, શેર અને મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.આ નવીનતમ પગલું ૧૫ મેના રોજ ચોક્સીને જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ પછી આવ્યું છે, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જા તે ૧૫ દિવસની અંદર ચુકવણી કરવામાં નિષ્ફળ જશે, તો તેની મિલકતો તેમજ બેંક ખાતાઓ જપ્ત કરવામાં આવશે.
જાન્યુઆરી ૨૦૨૨ માં ગીતાંજલિ જેમ્સ લિમિટેડના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા લાદવામાં આવેલા દંડની ચૂકવણી કરવામાં ચોક્સી નિષ્ફળ ગયા પછી ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવી હતી. ચોક્સી, જે ગીતાંજલિ જેમ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા તેમજ પ્રમોટર ગ્રુપનો ભાગ હતા, તે નીરવ મોદીના મામા છે. આ બંને પર સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંક સાથે રૂ. ૧૪,૦૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. ૨૦૧૮ ની શરૂઆતમાં પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ ચોક્સી અને મોદી બંને ભારત છોડીને ભાગી ગયા હતા.ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા પ્રત્યાર્પણની વિનંતીને પગલે એપ્રિલમાં, ચોક્સીની બેલ્જીયમમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે જ્યારે તે સારવાર માટે બેલ્જીયમ ગયો હતો ત્યારે તે બેલ્જીયમમાં મળી આવ્યો હતો. ભારત છોડ્યા પછી તે ૨૦૧૮ થી એન્ટીગુઆમાં રહેતો હતો. માર્ચ ૨૦૧૯ માં સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે મોદીની ધરપકડ કરી હતી અને હાલમાં તે દેશમાં જેલમાં છે. ૪ જૂને જારી કરાયેલી નોટિસમાં, સેબીએ જણાવ્યું હતું કે ૨.૧ કરોડ રૂપિયાની બાકી જવાબદારીઓમાં રૂ. ૧.૫ કરોડનો પ્રારંભિક દંડ અને રૂ. ૬૦ લાખનો વ્યાજ શામેલ છે.









































