એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઇડી દ્વારા મેહુલ ચોક્સીને ભાગેડુ આર્થિક ગુનેગાર જોહેર કરવા માટે શરૃ કરવામાં આવેલી કાર્યવાહીને સ્થગિત કરવા માટે બિઝનેસમેન મેહુલ ચોક્સીએ બોમ્બે હાઇકોર્ટમાં અરજી નોંધાવી છે. પંજોબ નેશનલ બેન્કના કરોડો રૃપિયાના છેતરપિંડીના કેસના આરોપી મેહુલ ચોક્સીએ સિનિયર વકીલ વિજય અગ્રવાલ મારફતે આ અરજી નોંધાવી હતી.
ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ ૨૦૧૮ અનુસાર જેની સામે ૧૦૦ કરોડ રૃપિયા કે તેથી વધારે રકમનો ગુના બદલ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હોય અને તે વ્યક્તિ દેશ છોડીને ભાગી ગઇ હોય અને તે પરત આવવાનું નકારતી હોય તો તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જોહેર કરી શકાય.
ઇડીએ ૨૦૧૯માં પીએમએલએ કોર્ટ સમક્ષ ચોકસીને ભાગેડુ આર્થિક ગુનેગાર જોહેર કરવા માટે અરજી કરી હતી. મેહુલ ચોક્સીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે તેમને ભાગેડુ આર્થિક ગુનેગાર જોહેર ન કરી શકાય કેમ કે તેઓ ગુનાઇત કાર્યવાહી ટાળવા માટે ભારત છોડી ગયા નહોતા. તેમની સામે કોઇ એફઆઇઆર નોંધાવવામાં આવી તે પહેલાં જ તેઓ દેશ છોડી ગયા હતા.
મેહુલ ચોક્સીએ જણાવ્યું હતું કે તેમને ડોમિનિકામાં જુલાઇ ૨૦૨૧માં અદાલતે જોમીન આપ્યા હતા અને તેમને મેડિકલ સારવાર માટે એન્ટીગુઆ અને બાર્બાડોસ જવાની પરવાનગી આપવામાં આવી હતી. જો કે, મુંબઇમાં તેમની સામે પીએમએલએ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચોકસીના વકીલ અગરવાલે જસ્ટિસ એસ.કે.શિંદેની સીંગલ બેન્ચને જણાવ્યું હતું કે ડોમિનિકાની કોર્ટે ભારતીય સત્તાવાળાઓની હાજરીમાં તેમને મેડિકલ સારવાર માટે પ્રવાસ કરવાની મંજૂરી આપી હતી. ચોકસી ઇરાદાપૂર્વક ભારત પાછાં ફરવાની ના પાડે છે તેવી ભારતીય સત્તાવાળાઓની દલીલ અન્યાયી છે. ચોકસી ભારત પાછાં ફરવાની ના પાડતાં નથી પણ તેમની મેડિકલ હાલત સારી ન હોવાથી તેઓ પ્રવાસ કરી શકે તેમ ન હોવાથી તેઓ પાછાં ફરી શકે તેમ નથી.
ઇડીએ ચોકસીની અરજીનો વિરોધ કરી આ બાબતે વિગતવાર જવાબ નોંધાવવા માટે સમય માગ્યો હતો. હાઇકોર્ટે ઇડીને જવાબ આપવા માટે સમય આપ્યો છે અને હવે આ કેસની વધુ સુનાવણી ૨૧ ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.