જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ ન્યૂઝ ચેનલના પ્લેટફોર્મ પરથી ભારતીય જનતા પાર્ટી પર જબરદસ્ત નિશાન સાધ્યું હતું. મેહબૂબાએ એક તરફ ભાજપ માટે કડવાં તેવર બતાવ્યા હતા તો બીજી તરફ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલબિહારી વાજપેયી માટે પ્રશંસાના પુષ્પો પણ વેર્યા હતા. આમ પણ જમ્મૂ- કશ્મીરમાં કેન્દ્ર સરકારે આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી મેહબૂબા નારાજ જ છે. તેમને ભાજપ સરકારે નજરકેદ પણ કરી લીધા હતા.
ન્યૂઝ ચેનલ એક શોમાં હાજર રહેલા જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ આ મંચ પરથી ભાજપ સામે તીખા તેવર વ્યકત કર્યા હતા, પણ સાથે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીના વખાણ કરતા તેમણે કહ્યુ હતું કે અટલ બિહારી એક મહાન નેતા હતા. તેઓ ધારતે તો હજોર બાલાકોટ કરી દેતે, પરંતુ તેમણે એવું કર્યું નહી, કારણ કે તેમણે રાજધર્મ નિભાવ્યો હતો. મેહબૂબાએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ કશ્મીરને દિલની નજરોથી જોયું હતું, પરંતુ આ સરકાર ગોડસેનું કશ્મીર બનાવવા માંગે છે.
મેહબૂબા મુફ્તીએ દિલ ખોલીને અટલ બિહારી વાજપેયીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે વાજપેયી પાકિસ્તાન ગયા હતા. હૂર્રિયત સાથે વાત કરી હતી, પરવેઝ મુશરફને બોલાવ્યા હતા, સંસદ ચાલી, વાત થઇ. મેહબૂબાએ કહ્યુ કે આને કારણે અટલ બિહારી વાજપેયીની ખાસ્સી ટીકા પણ થઇ. એ પણ કહેવામાં આવ્યું કે એક પણ ગોળી માર્યા વગર પાછા ફર્યા. કદાચ આજ કારણે ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડયો.
મેહબૂબા મુફતીએ આગળ કહ્યુ કે ભલે અટલ બિહારી વાજપેયી ચૂંટણી હારી ગયા હોય, પરંતુ અમે તેમને સલામ કરીએ છીએ. મેહબૂબાએ નરેન્દ્ર મોદીની ૫૬ની છાતીની ઓળખ સામે નિશાન સાધીને કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયીની ૫૬ની છાતી નહી, પણ ૬૭ ઇંચની છાતી હતી.
મેહબૂબાએ જમ્મૂ-કશ્મીરનો આર્ટિકલ ૩૭૦ અને ૩૫છનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જમ્મૂ-કશ્મીરના આ વિશેષાધિકાર સરકારે પાછા આપવા જ પડશે.મેહબૂબાએ જે બાલાકોટની વાત કરી તેના વિશે તમને જણાવીએ તો ૧૪ ફેર્બ્રુઆરી ૨૦૧૯માં જમ્મૂ-કશ્મીરના પુલવામામાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને તેમાં સીઆરપીએફના ૪૦ જવાનોના મોત થયા હતા. આ ઘટનાના બે સપ્તાહ પછી એટલે કે ૨૬ ફેબ્રુઆરીએ ભારતે દાવો કર્યો હતો કે ભારતીય હવાઇ દળના મિરાજ-૨૦૦૦ વિમાને રાતના અંધારામાં અંકુશ રેખા પાર કરીને પાકિસ્તાનના પૂર્વાત્તર વિસ્તાર ખૈબરપખ્તૂનખ્વાના બાલાકોટમાં શ્રેણીબધ્ધ હુમલા કર્યા હતા.