રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરો ઘરમાં ન ફેલાય તે માટે ઘરમાં અને ઘરની આજુબાજુમાં પાણી સંગ્રહના પાત્રોને ખુલ્લા ન રાખવા, ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી જોઈએ. મેલેરિયા થયો હોય તેવા વ્યક્તિઓને પૂરેપૂરી સારવાર લેવી જરૂરી છે. વરસાદી સિઝન દરમિયાન બોટલ, ટીન, ટાયર અને નાળીયેરની કાછલી, ભંગારનો નાશ કરવો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ કોઈ દવા ઉપલબ્ધ નથી જેથી નાગરિકોને ડોકટરની સલાહ વિના દવા લેવી નહિ તેમાં પણ એસ્પીરીન જેવી દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગના નિયંત્રણ માટે નાગરિકોને તાવ હોય ત્યારે લોહીની તપાસ કરાવવી જોઈએ. સાદો મેલેરિયા હોય તો ત્રણ દિવસની અને ઝેરી મેલેરિયા હોય તો ૧૪ દિવસની સંપૂર્ણ સારવાર નાગરિકોએ લેવી જોઈએ. મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રીમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં અને ઘરની આજુબાજુમાં પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખવા જોઈએ. તેમજ રાત્રે સુતી વખતે જંતુનાશક કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓએ પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ તેમ આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયુ છે.