“એ કોઈ મોટા ઘરની છોકરીઓ હતી. ભલે સખીમંડળ આપણને મદદ કરતું હોય પણ આ છોકરીઓનું માન આપણે રાખવું જોઈએ.” જીવી ઓઘડને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી.
” પણ હું છપ્પન ઇંચવાળો એમ કોઈની મદદ થોડો લઉં ?”
” આમાં મદદ લેવાની વાત જ નથ. આપણે આપણી પિન્ટુડી ને મનીયાનું તો ભવિષ્ય જોવાનું કે નઈ? પિન્ટુડીના પપ્પા થોડું નમતું જોખે તો નાના બાપના નઈ થઈ જાવ. કોઈ તમારા છપ્પનમાંથી બાવન નઈ કરી નાખે. ઇ બચારી છોડી…શું ઈનું નામેય હારુ હતું. હું તો ભૂલી ગઈ. હા..હા શિલાબુન ઇ તમારું નામ લઈ કે’તી’ તી કે તમે ઇનો જીવ બસાવ્યો તો..!
” કોણ બાઈ હતી” ઓઘડે જીવીની વાત વચ્ચેથી કાપતાં પૂછ્યું.
” કોણ વળી શિલાબુન.. કોઈ મોટા શેઠિયાની છોડીઓ લાગતી હતી.”
” હા. ઓલ્યા આખલાવાળી છોકરીઓ એ આવી’તી?”
” તારે…શું તમે તો આ છપ્પનમાં જ રહ્યા. ઇ છોકરીઓએ તો આપણી પિન્ટુડી ને મનીયાને નેહાળમાં લઈ ગયેલાં. ને નેહાળના સાહેબને કાંઈ કીધું હશે એટલે તો નેહાળના સાહેબ આપણા ઘરે આવેલા. હવે આ તમે છપ્પનનું ડેંડવાણું મેલો પડ્‌યું ને વસ્તાર પેટે પડ્‌યો છે એમના હામુ જુઓ. અને હાં કહું છું સાંભળો.. પીવાનું બંધ કર્યું સે તે હવે જાળવી લેજો. પાસા ભાઈબંધોની હારે હારે ક્યાંક જોઈને પાછાં લાગી ના પડતા.. માંડ માંડ છૂટ્યો છે.” ” અલી જગલાની બા, તારા હામે તો મેં દીવો કરી ને સોંગન ખાધા, ને બાટલીનો ઘા કરી દીધો તોય હજુ તને મારો વસવાસ નથ આવતો? હવે તું કે’તી હોય તો…સાતી ફાડીને દેખાડું.”
” સાતી બાતી ફાડવાનું કોઈ કેતુ નથ. મફતનું મળે તો પાછાં…અને આપણે કોઈનો ધર્માદો ખાવો નથી અને પીવો ‘ય નથ. હાથબળથી મહેનત કરશું. બળ્યું આપણો તો મનખો બગડ્‌યો, તે આ છોકરાંની જિંદગી તો હુધારીએ.”
“હોળ આના હાચી વાત તારી મનીયાની મા, તો હવે કોઈ આવે તો આપણે ઇ કે’ ઇમ કરશું પણ. હા … હું છપ્પન ઇંચવાળો કોઈનો ધરમાદો નઈ ખઉં ”
” પપ્પા, આ જુઓ ચોપડીઓ નિશાળમાંથી સાયેબે આપી.” મનીયો નિશાળેથી આવતાં બોલ્યો.
” લે તું છપ્પન ઇંચવાળાનો છોકરો ચોપડીઓ મફત લાયો?
ઓઘડે તરત જ વાતને કાપી.
” ના પપ્પા આ તો બધાયને આપતા હતા સાહેબ. કહેતા હતા કે.. આ સરકારી ચોપડીઓ છે. પિન્ટુ તો ત્રીજા ધોરણમાંથી ઊઠી ગઈ હતી ને તેને ત્રીજામાં દાખલ કરી ને મને એકડીમાં મુક્યો”
” ક્યાં ગઈ પિન્ટુ, એને ભૂખ નથી લાગી?”
” એ બેઠી તેની બેનપણીઓની સાથે પેલા ઝાડ નીચે જો. નિશાળમાં બધાને ભોજન મળે છે મમ્મી, એટલે એને ભૂખ નહિ લાગી હોય.’
” અલ્યા છપ્પનીયા….લે હેન્ડ. આજ તો ટનાટન માલ આયો છે.” ઝાંપેથી કોઈએ ઓઘડને બોલાવ્યો.
” ના, લાખાભઇ, એ હવે નઇ આવે ? એમણે જળ મેલ્યું સે. એ હવે નઈ લે.” જીવીએ ઓઘડ સામે જોઈને પતાવ્યું.
” શું વાત છે. અલ્યા છપ્પન ઇંચ? આ હું શું હાંભળું શું ? હાચી વાત ? આવું તે કંઈ હાલતું હસે. આપણે તો પેલ્લેથી જ હારે બેહીને..”
લાખો બોલતો રહ્યો.
” હા… લાખા હાવ હાચી વાત. મને મેલડીના સોંગન બસ. ચાર દા’ડા થયા. હવે મને અગરાજ એટલે અગરાજ અને હું જો હવે હાથ અડાડું તો મને મેલડી નો મૂકે.”
ઓઘડને હવે લાખાની વાતમાં રસ ના પડ્‌યો.
જીવીને થયું’ મેલડીના સમ કામ તો કરે હોં. મારો ભાયડો જો હવે સીધી પાટીયે સડી જાય તો..તો..ઘરમાં કાંઈક રધ્ધિ આવે.’
થોડીવારમાં ઓઘડ ઊભો થયો. જીવી કહે “હવે ક્યાં હાલ્યા..? ક્યાંક પાસું મન ફર્યું નથ ને.” “કામ કરવા… બીજે ક્યાં જાશ.” જીવીની સામે હસતાં હસતાં ઓઘડ બોલ્યો.
જીવીએ ઘરની પછીતે ટીંગાડેલી મા મેલડીની છબી સામે જોયું અને આંખો બંધ કરીને બોલી. ‘હે..મા મેલડી..!! તારે ભરોહે આને જાવા દવ છું. તું જ એનું ધ્યાન રાખજે.પાટે ચડેલો મારો ભવ -ભવનો ભરથાર, એને હવે તું પાટેથી ઉતરવા ના દેતી. હું, જીવી ઓઘડ… ખુલ્લાં પગે હાલીને તારી માનતા સડાવીસ અને વધારાનાં પોંસ દિવા’ ય કરીસ.’
ઓઘડ ગયો ને થોડી જ વારમાં બે ચાર જણાં આવીને જીવીને કાને વાત નાંખી ગયાં.
“જીવી બૂન..! આ મારો ભઈ.. ઓલ્યા લાખા હારે ગ્યોસ અને તમે તો જાણો સ કે લાખો…”
“તમે ચંત્યા ના કરો. મને મા મેલડી ઉપર ગાડું ભરીને શ્રધ્ધા સે, એ એને કાંઈ નય થાવા દે.”
થોડી વાર થઈ ને ગામના મુખીબાપા આવ્યાં.
“જીવી બટા…!! અમે હંધાયે ભેગાં મળીને નક્કી કર્યું છે કે, આ વખતની ચૂંટણીમાં તમને સરપંચમાં ઊભા રાખવા છે અને આ ઓઘડ તો, લાખો અને એનાં ભાઈબંધો હારે ટોળકી જમાવીને… !!”
જીવી ઊકળી ઊઠી.
“હજી તો માનતા કરીને બેઠી સુ અને તું, દારૂની મહેફિલ માણવા બેહી ગ્યો.”
હાથમાં જે લાકડી આવી એ લઈને નીકળી પડી.
‘જેમ નેહડામાંથી ચારણ કન્યા નીકળે એમ.’
આગળ જીવી અને અર્ધું ગામ એની પાછળ.
“અલ્યા ઓઘડા..! તે મા મેલડીના સોગન ખાધા તોય તું સુધર્યો નય. હવે તારે દારૂ મેલવો સે કે, હું આ લાકડી મેલું..!!”
“તું પેલાં આખી વાત તો હમજ..!”
ઓઘડ કરગરવા લાગ્યો.
“હવે હમજવા જેવું કાંઈ રાખ્યું સે ?
આ હંધાયના હાથમાંથી ખાટી ખાટી વાસ આવે સે અને તું કે સે, હમજવાનું??”
“હાથમાં વાસ આવે ઈ વાત હાસી પણ..!! ઈ તો મે હંધાયના હાથમાં દારૂ લેવડાવીને, મેલડીના સોગન આપીને પાણી મુકાવ્યું.”
છપ્પન ઈંચની છાતી વાળા ઓઘડે, ફરીવાર છપ્પન ઈંચની છાતી કરી દેખાડી.
મૂળ વાર્તાઃ-ડો.પ્રીતિબેન કોટેચા, પોરબંદર.
રી રાઈટ.:- કાળુભાઈ ભાડ, અમરેલી.