અમદાવાદ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી છે. આ વાતે હવે રાજકારણ ગરમાયું છે. જણાવી દઈએ કે પહેલા અમદાવાદના મેયર અને હવે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી પડી છે. જો કે સ્ટેન્ડિંગગ કમિટીના ચેરમેને ગોળગોળ જવાબ આપ્યો પણ તેમના નિવેદનથી એ વાત સ્પષ્ટ થતી જણાઈ કે મનપાની તિજોરીનું તળીયું દેખાઈ રહ્યું છે.
સ્ટેન્ડિંગગ કમિટીના ચેરમેને વિકાસની આડમાં વાત દબાવવાનો પ્રયાસ ચોક્કસ કર્યો પણ સાથે જ વિકાસના કાર્યોને બ્રેક નથી લાગી તેવી પણ સ્પષ્ટતા કરી. હિતેશ બારોટે કહ્યું કે વિકાસનું કામ અવિરત ચાલુ છે. જણાવી દઈએ કે આ અગાઉ આ વાત શહેરના પ્રથમ નાગરિક એવા મેયરે પણ સ્વીકારી છે. મેયરનું કહેવું છે કે કોરોના કાળ દરમિયાન લોકો પાછળ દવાનો ખર્ચ, હોસ્પિટલ્સમાં વિવિધ સુવિધાઓ, રસીકરણનો ખર્ચ સહિતના ભારણને કારણે મનપાની તિજોરી ખાલી થઈ ગઈ છે.
બીજી તરફ મનપાએ જે કોન્ટ્રાક્ટર્સને વિવિધ કામોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટર્સને ૨૦૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની પણ બાકી હોવાનું મેયરે સ્વીકાર્યું છે. જો કે તબક્કાવાર મહાનગરપાલિકા આ નાણા કોન્ટ્રાક્ટરને ચૂકવી દેશે તેવી પણ બાંહેધરી મેયરે આપી.તો બીજી તરફ વિરોધપક્ષે આક્ષેપો કર્યા કે ભ્રષ્ટ શાસનને કારણે મનપાની તિજોરી ખાલી થઈ છે. બીજી તરફ મનપાએ જે કોન્ટ્રાક્ટર્સને કામ સોંપ્યા છે તે કોન્ટ્રાક્ટર્સ પણ યોગ્ય કામ નહીં કરતા હોવાના આક્ષેપ વિરોધપક્ષે કર્યા.