યુ.કે.ના મેન્ચેસ્ટર ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન (ICA) ની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ICA ના અધ્યક્ષ એરીયલ ગુઆરકોની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ સંમેલનમાં ભારત તરફથી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની મહત્વપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. દિલીપભાઈએ ICA ના અધ્યક્ષ ગુઆરકો સાથે શિષ્ટાચાર મુલાકાત કરી અને સહકારી ક્ષેત્રના વૈશ્વિક મુદ્દાઓ પર ગહન વિચારવિમર્શ કર્યો હતો. આ બેઠકમાં દિલીપભાઈ સંઘાણીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવેમ્બર-૨૦૨૪માં નવી દિલ્હી ખાતે જાહેર કરાયેલા આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષInternational Year of Cooperatives – IYC 2025) ની માહિતી પણ શેર કરી હતી. તેમણે વિશ્વના વિવિધ દેશોમાંથી આવેલા સહકારી નેતાઓને ભારતમાં IYC ૨૦૨૫ ના અનુસંધાનમાં અમલમાં મુકાયેલી સહકારી પ્રવૃત્તિઓ અને યોજનાઓ, ખાસ કરીને ઇફકોની ઉપલબ્ધિઓ અને ધાન ઉત્પાદનને અગ્રતા આપવા જેવા મુદ્દાઓની જાણકારી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સહકારી પ્રવૃત્તિથી આત્મનિર્ભર બનવા માટે નાગરિકોને તમામ પ્રકારની ટ્રેનિંગ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ તકેICA એશિયાના ચેરમેન ડો. ચંદ્રપાલસિંહ યાદવ, ડો. યુ.એસ. અવસ્થી, ગુજરાત મહિલા ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીના ચેરમેન ગીતાબેન સંઘાણી, મનીષભાઈ સંઘાણી, ઇફકોના ડાયરેક્ટર ભાવેશભાઈ રાદડીયા સહિત અનેક સહકારી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.







































