ભારતીય બિઝનેસવુમન અને સોશિયલાઈટ નતાશા પૂનાવાલા મેટ ગાલા ૨૦૨૨ના રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. જોકે, તેણે ગ્લેમરની સાથે આઉટફિટમાં ભારતીય છાંટ પણ દેખાય તેનું ધ્યાન રાખ્યું હતું. Gilded Glamour થીમને ધ્યાનમાં રાખીને તેણે સાડી અને બસ્ટીઅ પહેર્યું હતું. નતાશાએ ફેશનની સૌથી મોટી રાત માટે ભારતીય ડિઝાઈનર સબ્યસાચીએ તૈયાર કરેલી ટ્યૂલ સાડી અને Schiaparelliએ તૈયાર કરેલું બુસ્ટીઅ પહેર્યું હતું. ગોલ્ડ રંગના આઉટફિટ સાથે નતાશાએ ઓર્નેટ જ્વેલરી પહેરી હતી. નતાશાના આ લૂકના હોલિવુડમાં તો વખાણ થઈ જ રહ્યા છે સાથે જ બોલિવુડમાં પણ ચર્ચા જોગી છે. નતાશાની ખાસ બહેનપણીઓ કરીના કપૂર, કરિશ્મા કપૂર અને મલાઈકા અરોરાએ લૂકના વખાણ કર્યા છે. નતાશાએ મેટ ગાલા માટે દેશી ગ્લેમર અને અમેરિકા પ્રેરિત થીમને આધારે આઉટફિટ તૈયાર કરાવ્યો હતો ત્યારે રેડ કાર્પેટ પર પહોંચેલા બેસ્ટ-ડ્રેસ્ડ સેલિબ્રિટીમાંથી એક નતાશા હતી. નતાશાના આ ઇન્ડિયન-વેસ્ટર્ન લૂક પર તેની બહેનપણી કરીના કપૂર ફિદા થઈ ગઈ છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નતાશાના લૂકના વખાણ કરતાં લખ્યું, “એકમાત્ર. ઉફ્ફ…લવ, લવ, લવ.” આ સાથે જ કરીનાએ ઢગલાબંધ હાર્ટના ઈમોજી મૂક્યા હતા. કરીના ઉપરાંત કરિશ્માએ પણ નતાશાના ગોલ્ડન લૂકના વખાણ કર્યા હતા. તેણે પણ નતાશાની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરતાં લખ્યું, “ધેટ્સ માય ગર્લ.” મલાઈકા અરોરાએ પણ નતાશાના ગ્લેમરસ આઉટફિટના વખાણ કરતાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, “ઉર્ટ્ઠર, તે કમાલ કરી નાખી.” મલાઈકાની બહેન અમૃતાએ પણ વખાણ કરતાં લખ્યું, “આ રીતે થાય છે.” નતાશા પૂનાવાલા ઉપરાંત મેટ ગાલામાં શાન મેન્ડીસ, કમિલા કબેયો, કિમ કાર્દિશિયન અને પેટ ડેવિડસન, સોફી ટર્નર-જો જોનસ, બિલિ એલિશ વગેરે જેવા સેલિબ્રિટીઝ થીમ આધારિત શાનદાર લૂકમાં જોવા મળ્યા હતા. નતાશાની વાત કરીએ તો ગત મહિને જ તેણે મનીષ મલ્હોત્રાના ઘરે બહેનપણીઓ કરીના, કરિશ્મા, અમૃતા સાથે પાર્ટી કરી હતી. મલાઈકા એક્સિડન્ટ બાદ રિકવર થઈ રહી હોવાથી તે પાર્ટીમાં હાજર નહોતી રહી.આ સિવાય માર્ચ મહિનામાં કરીના અને કરિશ્મા પોતાના બાળકો સાથે માલદીવ્સ ગયા હતા ત્યારે નતાશા પણ તેમની સાથે જોડાઈ હતી.