સુરતના ભાગળ રાજમાર્ગ વિસ્તાર પર હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીના કારણે અહીં આવેલા દુકાનદારોને ભારે મુશ્કેલીમાંથી પસાર થવું પડી રહ્યું છે. સતત ૧૯ માસથી આ માર્ગ મેટ્રોની કામગીરીને કારણે બંધ પડ્યો છે. અગાઉ મેટ્રોના અધિકારીઓ દ્વારા ૧૦ માસની અંદર કામગીરી પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કરી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
મેટ્રો દ્વારા અસરગ્રસ્ત દુકાનદારો સાથે ૧૦ માસનો કરાર કરી વળતર ચૂકવવામાં આવી રહ્યું હતું. પરંતુ ત્યારબાદ મેટ્રોની કામગીરી હજી સુધી પૂર્ણ કરવામાં આવી નથી. એક તરફ દિવાળીનો તહેવાર નજીક છે અને બીજી તરફ અહીં આવેલ દુકાનદારોને ધંધા-વેપાર પણ ઠપ છે. જે કરાર કરવામાં આવ્યો હતો, તે પણ હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે. જે કરાર પૂર્ણ થયા બાદ મેટ્રોના અધિકારીઓ દ્વારા વળતર આપવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી અસરગ્રસ્ત દુકાનદારો દ્વારા આજરોજ મોરચો માંડી મેટ્રોના અધિકારીઓ પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત દુકાનદારોએ હાથમાં પ્લે કાર્ડ સાથે મેટ્રોના અધિકારીઓ સામે દેખાવ કર્યો હતો.
અસરગ્રસ્ત દુકાનદારોએ જણાવ્યું હતું કે, અગાઉ ૧૦ માસની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની ખાતરી મેટ્રો દ્વારા આપવામાં આવી હતી. જે માટે અસરગ્રસ્ત દુકાનદારો સાથે ૧૦ માસનો કરાર કરી હમણાં સુધી વળતર ચૂકવવામાં આવેલી હતું. પરંતુ આ ૧૦ માસ જેટલો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. ત્યારબાદ વધુ બે મહિનાનો સમય માંગવામાં આવ્યો હતો. જે સમય પૂર્ણ થયાને આજે ૧૯ માસ જેટલો સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે.
તહેવારો નજીક છે અને રસ્તો બંધ હોવાથી દુકાનદારોના ધંધા-વેપાર પણ ઠપ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં વેપારીઓ ભારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા પણ વળતર આપવાનું બંધ કરી દેવાયું છે. જેથી અસરગ્રસ્ત દુકાનદારોને વળતર ચૂકવવામાં આવે અને કામગીરી તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી સૌ કોઈ અસરગ્રસ્ત દુકાનદારોની માંગ છે.