ભારતનાં કોચ રાહુલ દ્રવિડે પોતાની નવી ભૂમિકામાં શાનદાર શરૂઆત કરવા પર ખુશી વ્યક્ત કરી છે, પરંતુ ખેલાડીઓને વધુ હવામાં ન ઉડવાની સલાહ પણ આપી છે. ભારતે રવિવારે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ત્રીજી ‌૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને ૭૩ રને હરાવી સીરીઝ ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા અને ત્યારબાદ ૧૭.૨ ઓવરમાં ન્યૂઝીલેન્ડને ૧૧૧ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી ઓપનર માર્ટિન ગુપ્ટિલલે ૫૧ રન બનાવ્યા હતા.
રોહિત શર્માએ સતત ત્રીજી મેચમાં ટોસ જીત્યો હતો, પરંતુ આ વખતે તેણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વળી, આ મેચમાં ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ સિવાય ફિલ્ડિંગમાં પોતાનો દમ બતાવીને તમામ ફેનનું દિલ જીતી લીધું હતું. આપને જણાવી દઈએ કે, મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગ જોઈને કોચ રાહુલ દ્રવિડ પણ ઘણા ખુશ થયા હતા. ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓને શાનદાર ફિલ્ડિંગ કરતા જોઈને કોચ રાહુલની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રાહુલ દ્રવિડ ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગથી ખુશ દેખાતા હતા અને તેમણે નવા ફિલ્ડિંગ કોચ ટી દિલીપને ડગઆઉટમાં પીઠ થપથપાવી હતી. રાહુલ દ્રવિડની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
મેચ દરમિયાન યુવા ખેલાડી ઈશાન કિશને પોતાની ફિલ્ડિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ યુવા ખેલાડીએ પહેલા એક શાનદાર થ્રો પર ટિમ સીફર્ટને રન આઉટ કર્યો અને ત્યાર બાદ ૧૪મી ઓવરમાં ઈશાન કિશને મિશેલ સેન્ટનરને રન આઉટ કર્યો, જેને જોઈને કોચ રાહુલ દ્રવિડ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મેચની વાત કરીએ તો, ભારતે સાત વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડને ૧૭.૨ ઓવરમાં ૧૧૧ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. વળી, ભારતે જયપુરમાં પ્રથમ મેચ પાંચ વિકેટે અને બીજી મેચ રાંચીમાં સાત વિકેટે જીતી હતી.