મેઘાલયની શિલોંગ પોલીસ, રાજા રઘુવંશી હત્યા કેસની તપાસ આગળ ધપાવીને, ઇન્દોરમાં રાજાના ઘરે પહોંચી અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી. મળતી માહિતી મુજબ, મેઘાલય પોલીસની ટીમ મંગળવારે રાત્રે સહકાર નગરમાં રાજા રઘુવંશીના ઘરે પહોંચી અને તેમના પરિવારના સભ્યોના નિવેદનો નોંધ્યા. શિલોંગ પોલીસની ટીમે રાજાની માતા અને બંને ભાઈઓ સાથે લગભગ એક કલાક સુધી વાત કરી. આ દરમિયાન, ખાસ કરીને રાજા હત્યા કેસના મુખ્ય આરોપી સોનમ રઘુવંશીના વર્તન અને ઘટનાઓ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શિલોંગ પોલીસે ઘટના પહેલા સોનમના વર્તન, તેના પરિવાર સાથેના તેના સંબંધો અને હનીમૂન ટ્રીપ સાથે જાડાયેલા પાસાઓ પર પૂછપરછ કરી હતી. આ કેસમાં વધુ પુરાવા એકઠા કરવાની દિશામાં પોલીસનું આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શિલોંગ પોલીસે આ પહેલા ફ્લેટની પણ તપાસ કરી હતી. ટીમે સમગ્ર કામગીરી દરમિયાન ખૂબ જ ગુપ્ત રીતે કામ કર્યું હતું. રાજા રઘુવંશીના હત્યા કેસમાં પૂછપરછ અને તપાસની આ પ્રક્રિયા હવે નવો વળાંક લેતી હોય તેવું લાગે છે. પરિવાર પહેલેથી જ કહી રહ્યું છે કે આ કેસમાં કેટલાક વધુ લોકો સંડોવાયેલા છે.
રાજાનો મોટો ભાઈ વિપિન રઘુવંશીએ જણાવ્યું કે મેઘાલય પોલીસની ત્રણ સભ્યોની ટીમ અમારા ઘરે પહોંચી. ટીમે અમને સોનમના વર્તન વિશે પ્રશ્નો પૂછ્યા. અમને એ પણ પૂછવામાં આવ્યું કે લગ્ન પછી સોનમ અમારા ઘરે કેટલા દિવસ રહી.
બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસના બિંદુઓને જાડવા માટે, મેઘાલય પોલીસની એક ટીમ મંગળવારે ઇન્દોરના તે ફ્લેટ પર પહોંચી જ્યાં આ ઘટના પછી મુખ્ય આરોપી સોનમ થોડા દિવસો સુધી છુપાયેલી હોવાની શંકા છે. ઇન્દોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મેઘાલય પોલીસની એક ટીમ શહેરના દેવાસ નાકા વિસ્તારમાં એક ફ્લેટ પર પહોંચી હતી અને તેની તપાસ કરી હતી. અમને માહિતી મળી છે કે મેઘાલયમાં રાજા રઘુવંશીની હત્યા થયા પછી, તેની પત્ની સોનમ થોડા દિવસો સુધી આ ફ્લેટમાં છુપાઈ રહી હતી જ્યારે તે ફરાર હતી. બાદમાં તે ઉત્તર પ્રદેશ ગઈ હતી જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે સંકેત આપ્યો હતો કે મેઘાલય પોલીસની ટીમ તપાસ માટે ઇન્દોરમાં આરોપીઓના ઘરે પણ પહોંચી શકે છે.
તમને જણાવી દઈએ કે રાજા રઘુવંશીની પત્ની સોનમ, તેના કથિત પ્રેમી રાજ કુશવાહ (૨૦) અને કુશવાહના ત્રણ મિત્રો – વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીની ૨૩ મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયેલા રાજા રઘુવંશીની હત્યાના કાવતરામાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. રઘુવંશી ૨૩ મેના રોજ મેઘાલયમાં પોતાના હનીમૂન દરમિયાન ગુમ થયા હતા અને ૨ જૂનના રોજ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તાર (જેને ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવે છે) માં એક ધોધ પાસે ઊંડી ખાડીમાં તેમનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. સોનમે ૮ જૂનના રોજ મોડી રાત્રે યુપીના ગાઝીપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.








































