મેઘાલયના ગારો હિલ્સમાં ભૂસ્ખલનમાં ચાર લોકો જીવતા દટાયા હતા. સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ – ગુરુવારે વહેલી સવારે ગારો હિલ્સમાં બે સ્થળોએ થયેલા ભૂસ્ખલનમાં એક પરિવારના ત્રણ લોકો અને એક નાના બાળકનું મોત થયું હતું.
આ ઘટના પશ્ચિમ ગારો હિલ્સના ગામ્બેગ્રે બ્લોક વિસ્તારથી લગભગ ૩૨ કિલોમીટર અને તુરાથી ૪૫ કિલોમીટર દૂર બની હતી. જ્યારે સાઉથ વેસ્ટ ગારો હિલ્સના બેટાસિંગ વિસ્તારમાં આવી જ ઘટનામાં અઢી વર્ષના બાળકનું મોત થયું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે મોડી રાત્રે પહાડીઓમાં ભારે વરસાદ બાદ આ ઘટના બની હતી. ગામ્બેગ્રે બ્લોક હેઠળના જેબલગ્રે ગામમાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતા દટાયા હતા. પિતા અને તેમનો પુત્ર થિયોબિઆસ મારક આ દુર્ઘટનામાં બચી ગયા છે. અન્ય એક ઘટનામાં, ગુરુવારે લગભગ ૪ વાગ્યે દક્ષિણ પશ્ચિમ ગારો હિલ્સના બેતાસિંગ બ્લોકના સમતી ગામમાં ભૂસ્ખલનમાં અઢી વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું.