આસામ અને મેઘાલયમાં છેલ્લા દિવસોમાં પૂર અને ભૂસ્ખલનમાં ૩૧ લોકોના મોત થઈ ગયા છે. આસામના ૨૮ જિલ્લામાં લગભગ ૧૯ લાખ લોકો પ્રભાવિત થયા છે જ્યારે ૧ લાખ લોકો રાહત શિબિરમાં છે. આ પૂરમાં ૧૨ લોકો આસામમાં અને ૧૯ લોકો મેઘાલયમાં મૃત્યુ પામ્યા છે. ત્રિપુરાની રાજધાની અગરતલામાં પણ ભીષણ પૂરની સૂચના મળી છે. શહેરમાં માત્ર કલાકમાં ૧૪૫ મિમી વરસાદ પડ્યો છે. ત્રિપુરા પેટાચૂંટણીના પ્રચારને પણ અસર થઈ છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મેઘાયલના મોસિનરામ અને ચેરાપૂંજીમાં ૧૯૪૦ બાદ રેકોર્ડ સમાન વરસાદ વરસ્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૬૦ વર્ષોમાં અગરતલામાં આ ત્રીજી વખત સૌથી વધુ વરસાદ વરસ્યો છે. અચાનક આવેલા પૂરના કારણે બધી શિક્ષણ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૪ લાખ રૂપિયાના વળતરની જોહેરાત કરી છે.
આસામના લગભગ ૩ હજોર ગામોમાં પૂર આવી ગયું છે અને ૪૩,૦૦૦ હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક પાળા, પુલ અને રસ્તાઓને નુકસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા શર્માને ફોન કરીને પૂરની સ્થિતિનો તાગ મેળવ્યો અને કેન્દ્ર શક્ય મદદ કરશે તેવું આશ્વાસન આપ્યું હતું. સીએમ શર્માએ ટ્‌વીટ કર્યું હતું કે, પીએમ મોદીએ મને આજે સવારે ૬ઃ૦૦ વાગ્યે આસામમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે ફોન કર્યો હતો. આ કુદરતી આફતને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા, માનનીય વડાપ્રધાને કેન્દ્ર સરકાર વતી તમામ શક્ય મદદની ખાતરી આપી છે. તેમની ખાતરી અને ઉદારતા માટે આભારી છું.
આસામ સરકારે પૂર અને ભૂસ્ખલનના કારણે ફસાયેલા લોકો માટે ગુવાહાટી અને સિલચર વચ્ચે વિશેષ ફ્લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ સીએમ શર્માએ રાજ્યના પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે ૫ લાખ રૂપિયા આપવા બદલ અભિનેતા અર્જુન કપૂર અને ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીનો આભાર માન્યો હતો.