અમરેલી સહિત રાજ્યભરમાં ચોમાસું જામ્યું છે ત્યારે ચોમાસાના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં મેઘમહેર થઇ જતાં નદી-નાળા છલકાયા છે. સૌરાષ્ટ્રના ડેમની સ્થિતિ જોઈએ તો ૧૬ જેટલા ડેમ હાલ ૧૦૦ ટકા ભરાઇ ગયા છે અને તેને હાઈએલર્ટ ઉપર મુકાયા છે. જ્યારે ૧૧ જેટલા ડેમ ૮૦થી ૮૭% જેટલા ભરાય જતા ત્યાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૪ ડેમ એવા છે ૭૦થી ૮૦ ટકા ભરાયા છે જેને ર્વોનિંગ આપવામાં આવી છે. જૂન મહિનામાં રાજકોટ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં દક્ષિણથી લઈને સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેરથી નદી-નાળા છલકાયા છે. જળાશયોમાં નવાં નીરની આવક થઈ છે. રાજ્યમાં ૦૧ જુલાઈ સુધીમાં ૧૬ જળાશયોમાં પાણીની વધારે આવકના પગલે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ૧૧ જળાશય એલર્ટ પર છે. ચાલુ વર્ષે ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થતાં રાજ્યના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. રાજ્યમાં ૧૬ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ ૧૧ દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે.