છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા મુશળધાર વરસાદને કારણે મેક્સિકોમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનના પણ અહેવાલ છે. દરમિયાન, સતત વરસાદને કારણે મેક્સિકોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે ૪૧ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, મેક્સીકન રાજ્ય વેરાક્રુઝમાં ૬ થી ૯ ઓક્ટોબર દરમિયાન આશરે ૫૪૦ મિલીમીટર (૨૧ ઇંચથી વધુ) વરસાદ પડ્યો હતો. મેક્સિકો સિટીથી ૧૭૦ માઇલ (૨૭૫ કિલોમીટર) ઉત્તરપૂર્વમાં સ્થિત તેલ શહેર પોઝા રિકામાં પૂર પહેલાં કોઈ ચોક્કસ ચેતવણી જારી કરવામાં આવી ન હતી.મેક્સિકોના રાષ્ટ્રીય નાગરિક સુરક્ષા સંકલન દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે શનિવાર સુધીમાં, મેક્સિકો સિટીના ઉત્તરમાં આવેલા હિડાલ્ગો રાજ્યમાં ભારે વરસાદથી ૧૬ લોકો માર્યા ગયા હતા અને ૧૫૦ સમુદાયોને વીજળી ગુલ થઈ ગઈ હતી. મેક્સિકો સિટીના પૂર્વમાં આવેલા પુએબ્લા રાજ્યમાં, ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા હતા અને ૧૬,૦૦૦ થી વધુ ઘરોને નુકસાન થયું હતું અથવા નાશ પામ્યા હતા. વધુમાં, વેરાક્રુઝ રાજ્યમાં ૧૫ લોકો માર્યા ગયા હતા, જ્યાં સેના અને નૌકાદળ ભૂસ્ખલન અને પૂરથી અલગ પડેલા ૪૨ સમુદાયોના રહેવાસીઓને બચાવવામાં મદદ કરી રહ્યા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે બચાવ કાર્યકરો સમગ્ર પ્રદેશમાં ૨૭ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે. ગલ્ફ કોસ્ટ રાજ્ય વેરાક્રુઝની ૫૫ નગરપાલિકાઓમાં ૧૬,૦૦૦ થી વધુ ઘરોને નુકસાન થયું હતું. અગાઉ, મધ્ય રાજ્ય ક્વેરેટોરોમાં ભૂસ્ખલનમાં એક બાળકનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે દેશભરમાં ૩૨૦,૦૦૦ થી વધુ લોકો વીજળી ગુલ થવાથી પ્રભાવિત થયા હતા. અધિકારીઓએ ભારે વરસાદ માટે મેક્સિકોના પશ્ચિમ કિનારે ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય તોફાન પ્રિસિલા અને રેમન્ડને જવાબદાર ઠેરવ્યા હતા.