મેકસીકોના ગુઆનાજુઆતોમાં એક સમારોહ દરમિયાન ભારે ગોળીબાર થયો હતો. અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ૧૨ લોકોનાં મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સેન્ટ જાન ધ બેપ્તિસ્ટની ઉજવણીમાં લોકો રસ્તા પર નાચતા અને મજા કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો. મેકસીકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે ગોળીબાર પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે તપાસ ચાલુ છે.
મેકસીકોમાં ગોળીબારનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં, ઉજવણીની વચ્ચે કેવી રીતે ગોળીઓ ચલાવવામાં આવી તે જાવા મળે છે, લોકો બૂમો પાડવા લાગ્યા અને ગોળીઓથી બચવા માટે ભાગવા લાગ્યા. ઇરાપુઆટોના અધિકારી રોડોલ્ફો ગોમેઝ સર્વાન્ટેસે ગોળીબાર વિશે માહિતી આપતા કહ્યું કે પીડિતોની સંખ્યા વધીને ૧૨ થઈ ગઈ છે, લગભગ ૨૦ અન્ય ઘાયલ થયા છે.
તમને જણાવી દઈએ કે મેકસીકોમાં ગોળીબારની આ પહેલી ઘટના નથી. ગયા મહિને, ગુઆનાજુઆટોના સાન બાર્ટોલો ડી બેરિઓસમાં કેથોલિક ચર્ચ દ્વારા આયોજિત પાર્ટીને નિશાન બનાવીને કરવામાં આવેલા ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા હતા.
મેકસીકો સિટીના ઉત્તરપશ્ચિમમાં આવેલું ગુઆનાજુઆતો દેશના સૌથી હિંસક રાજ્યોમાંનું એક છે, જ્યાં વિવિધ સંગઠિત ગુના જૂથો નિયંત્રણ માટે સ્પર્ધા કરી રહ્યા છે. આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં રાજ્યમાં ૧,૪૩૫ હત્યાઓ નોંધાઈ છે, જે અન્ય કોઈપણ રાજ્ય કરતા બમણાથી વધુ છે.