જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીનના અધ્યક્ષ યાસીન મલિકે યુએપીએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં તેણે કહ્યું હતું કે તેણે હથિયારના બળનો ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિ છોડી દીધી છે અને ગાંધીવાદી પદ્ધતિ અપનાવી છે. યાસીને કહ્યું કે તેણે ૧૯૯૪થી શસ્ત્રો અને હિંસા છોડી દીધી છે. યાસીન મલિક ટેરર ફંડિંગ કેસમાં દિલ્હીની તિહાર જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે યાસીન મલિકની સંસ્થા જેકેએલએફ વાય પર આગામી ૫ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગયા મહિને યુએપીએ કોર્ટ દ્વારા જારી કરાયેલા આદેશમાં યાસીને રજૂ કરેલા સોગંદનામાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ગુરુવારે ગેઝેટમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જેકેએલએફ-વાયને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળ ‘ગેરકાયદેસર સંસ્થા’ તરીકે જાહેર કરવાનો નિર્ણય આગામી પાંચ વર્ષ માટે યથાવત રાખવામાં આવ્યો છે.
યાસીન મલિકે ૧૯૮૮માં જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ એટલે કે જેકેએલએફ વાયની રચના કરી હતી. આ સંગઠને ૧૯૯૦માં શ્રીનગરના રાવલપુરામાં ભારતીય વાયુસેનાના ચાર જવાનોની સનસનાટીભરી હત્યાને અંજામ આપ્યો હતો. આ કેસમાં યાસીન મલિક મુખ્ય આરોપી હતો. આ કેસમાં સાક્ષીઓએ પણ યાસીનની ઓળખ કરી હતી. એનઆઇએ ટેરર ફંડિંગ કેસમાં યાસીનને સજા થઈ છે. મે ૨૦૨૨માં તેને આજીવન કેદની સજા પણ કરવામાં આવી હતી.