આંધ્ર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રી અને જનસેના પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પવન કલ્યાણે નવી શિક્ષણ નીતિ હેઠળ ત્રિ-સ્તરીય ભાષાના વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી. એક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે તેઓ ક્યારેય હિન્દી ભાષાનો વિરોધ નહીં કરે.
પવન કલ્યાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એકસ’ પર એક પોસ્ટ મૂકી. જેમાં તેમણે લખ્યું હતું કે, “કોઈ ભાષા બળજબરીથી લાદવી કે કોઈ ભાષાનો આંધળો વિરોધ કરવો; બંને આપણા ભારતના રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક એકીકરણના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરતા નથી. મેં ક્યારેય હિન્દી ભાષાનો વિરોધ કર્યો નથી. મેં ફક્ત તેને ફરજિયાત બનાવવાનો વિરોધ કર્યો છે. જ્યારે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ પોતે હિન્દી લાગુ કરતી નથી, તો તેના અમલીકરણ વિશે ખોટા નિવેદનો આપવા એ જનતાને ગેરમાર્ગે દોરવા સિવાય કંઈ નથી.”
તેમણે આગળ લખ્યું, “નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ મુજબ, વિદ્યાર્થીઓને વિદેશી ભાષાની સાથે કોઈપણ બે ભારતીય ભાષાઓ (તેમની માતૃભાષા સહિત) શીખવાની સુવિધા છે. જો તેઓ હિન્દીનો અભ્યાસ કરવા માંગતા ન હોય, તો તેઓ તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, મરાઠી, સંસ્કૃત, ગુજરાતી, આસામી, કાશ્મીરી, ઓડિયા, બંગાળી, પંજોબી, સિંધી, બોડો, ડોગરી, કોંકણી, મૈથિલી, મેતેઈ, નેપાળી, સંથાલી, ઉર્દૂ અથવા અન્ય કોઈપણ ભારતીય ભાષા પસંદ કરી શકે છે.”
બહુભાષી નીતિની પ્રશંસા કરતા તેમણે લખ્યું, “બહુભાષી નીતિ વિદ્યાર્થીઓને પસંદગીની સશક્તિકરણ, રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા અને ભારતની સમૃદ્ધ ભાષાકીય વિવિધતાને જોળવવા માટે બનાવવામાં આવી છે. રાજકીય એજન્ડા માટે આ નીતિનું ખોટું અર્થઘટન કરવું અને દાવો કરવો કે પવન કલ્યાણે પોતાનું વલણ બદલ્યું છે તે સમજણનો અભાવ દર્શાવે છે. જનસેના પાર્ટી દરેક ભારતીય માટે ભાષાકીય સ્વતંત્રતા અને શૈક્ષણિક પસંદગીના સિદ્ધાંત પર મજબૂત રીતે ઉભી છે.”