મેંગલુરુ કુકર બોમ્બ બ્લાસ્ટના આરોપી શારિકને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની એક વિશેષ અદાલતે મેંગલુરુ કુકર બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી આરોપી મોહમ્મદ શારિકને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. શારિકે કોર્ટ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
આ ઘટના ૧૯ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ મેંગલુરુના કાંકનાડી નજીક બની હતી. તપાસકર્તાઓએ અહેવાલ આપ્યો હતો કે શારિક કથિત રીતે કાદરી મંજુનાથ મંદિરમાં બોમ્બ મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે વિસ્ફોટ થયો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. શારિક પોતે પણ વિસ્ફોટમાં ઘાયલ થયો હતો.
ઓટો ડ્રાઈવર પુરુષોત્તમ પૂજારી પણ વિસ્ફોટમાં ઘાયલ થયો હતો. લગભગ ત્રણ મહિના સુધી સારવાર લીધા બાદ, શારિકને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બાદમાં એજન્સીએ તેની તપાસ પૂર્ણ કરી અને કેસમાં ચાર્જશીટ દાખલ કરી.






































