અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના આહીર પરિવારના સભ્યો જે વર્ષોથી સુરત ખાતે રહે છે તેઓ આજે બપોરે નર્મદા જિલ્લાના પોઈચા ખાતે પહોંચી નદીમાં ન્હાવા પડતા એક પછી એક આઠ લોકો પાણીમાં ગરકાવ થતા એકનો બચાવ થયો હતો જયારે સાત લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામનો આહીર પરિવાર વ્યવસાય અર્થે સુરત સ્થાયી થયો હતો. સુરતના ચારોલી વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા પરિવારના મોભી ભરતભાઈ મેઘાભાઈ બદલાણીયાના ઘરે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ પૂર્ણ થયા બાદ પવિત્ર સ્નાન માટે જવાનું નક્કી કરવામાં આવતા આહીર પરિવારના ૧૭ સભ્યો સુરતથી નર્મદા જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થાન પોઈચા ખાતે પહોચ્યા હતા. જયાં પરિવાર દર્શન કર્યા બાદ પુણ્યનું ભાથુ બાંધવા માટે નર્મદા નદીમાં સ્નાન કરવા માટે પહોચ્યો હતો. જયાં સ્નાન કરતી વખતે એક બાળક ઉંડા પાણીમાં ગરકાવ થતા તેને બચાવવા માટે એક પછી એક કુલ આઠ લોકો નદીમાં પડયા હતા. જેમાંથી એક વ્યક્તિનો બચાવ થયો હતો અને બાકીના ૭ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બે બાળકો મૂળ રાજુલાના હોવાની માહિતી મળી છે. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આ ઘટનાની જાણ તરવૈયાઓને પણ કરવામાં આવતા તરવૈયાઓએ ડુબી ગયેલાઓની શોધખોળ શરૂ કરી છે.
ડુબી ગયેલા હતભાગીઓની યાદી
ભરતભાઈ મેઘાભાઈ બલદાણીયા (ઉ.વ.૪પ)
આરનવ ભરતભાઈ બલદાણીયા (ઉ.વ.૧ર)
મૈત્ર્ય ભરતભાઈ બલદાણીયા (ઉ.વ.૧પ)
વ્રજ હિંમતભાઈ બલદાણીયા (ઉ.વ.૧૧)
આર્યન રાજુભાઈ ઝીંઝાળા (ઉ.વ.૭)
ભાર્ગવ અશોકભાઈ હડીયા (ઉ.વ.૧પ)
ભાવેશ વલ્લભભાઈ હડીયા (ઉ.વ.૧પ)
ડુબેલાઓને શોધવા એનડીઆરએફની ટીમ પહોંચી
જાણવા મળતી માહિતી મુજબ બાળકો નદીમાં ન્હાવા પડયા હતા. જા કે નદીનો વિશાળ પટ હોય પરંતુ પાણી છીછરૂ હોવાથી બાળકો મોજમસ્તી સાથે નદીમાં આગળ ન્હાવા માટે જતા એક બાળક ડુબી જતા તેને બચાવવા એક પછી એક ૭ બાળકો અને એક પરિવારના મોભી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જા કે સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધો હતો અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં કોઈના મૃતદેહ હાથ લાગ્યા નહોતા જેથી તંત્ર દ્વારા નદીમાં ડુબેલા લોકોને શોધવા માટે એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવતા એનડીઆરએફની ટીમે શોધખોળ શરૂ કરી હતી.