મૂળ સાવરકુંડલાના ડેડકડી ગામની અને સુરતમાં લસકાણાના કઠોદરા ખાતે આવેલ ગઢપુર ટાઉનશિપમાં ૩૪ વર્ષીય મહિલા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં એક સાત વર્ષનો દીકરો છે. મહિલાના પહેલા લગ્ન થયા હતા, જેમાં પતિનું વર્ષ ૨૦૨૦માં અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યાર બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, પણ એ સફળ ન રહેતાં પરત પિયર આવી ગઈ હતી. હાલ મહિલા પિતા સાથે રહેતી હતી. પુત્રને તાવ આવતો હોવાથી ગઈકાલે સવારે દવાખાને લઈ જવાનું કહીને ઘરેથી મહિલા નીકળી હતી. સાંજ થઈ ગઈ હોવા છતાં પણ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મહિલાએ પોતાની મિત્ર સહિતના લોકોને પોતે પાસોદરા રોડ ખાતે આવેલા મામાદેવ મંદિર પાસે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી દીધી હતી, જેથી મહિલાના મિત્રોએ તેમના પરિવારને આ અંગે જાણ કરી હતી. પરિવારજનો રાત્રે ૯ વાગ્યા આસપાસ મામાદેવના મંદિર પાસે પહોંચ્યાં હતાં. ત્યારે મહિલા બેભાન હાલતમાં મળી હતી અને તેમનો દીકરો તેની પાસે બેઠેલો હતો. ત્યાર બાદ બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલ લઈ જતા સમયે દીકરાએ પણ ઊલટીઓ કરતાં તેને પરિવારજનોએ પૂછ્યું હતું કે તને શું થયું છે? ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે માતાએ મને ઝેરી દવા પીવડાવી હતી અને ત્યાર બાદ તેણે પણ પી લીધી હતી.








































