દેશમાં નવરાત્રિથી નૂતન વર્ષ સુધીના લગભગ એકાદ મહિનાના ગાળામાં વિવિધ ધાર્મિક તહેવારોમાંથી પસાર થઈને જનતા આનંદ-ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મોજ-મજાના દિવસો પસાર કરશે અને ઉત્સવોની ઉજવણી કરશે. જનતાએ દેશને ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવવા માટે ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોની ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ભોજન એટલે રસોડાની ચીજવસ્તુઓ, બાથરૂમમાં ઉપયોગમાં લેવનાર સાબુ, શેમ્પુ અને ડ્રેસીંગ ટેબલ ઉપરની વસ્તુઓ સ્વદેશી ખરીદવાના આગ્રહી બનવું જરૂરી છે.
આજે અનેક યુવા ખેડૂતો ખેતીને જીવન નિર્વાહ પધ્ધતિમાંથી બહાર લાવીને ખેતીને વ્યવસાયનો દરજજા આપી રહ્યા છે જે સારી બાબત છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગાંડી-ગીરના ખોબા જેવડા મીઠાપુર-નક્કિ ગામનો યુવા ખેડૂત કંઈક અલગ ચિલો ચાતરી ખેત ઉત્પાદનના વેલ્યુએડીશન સાથે આગળ વધી રહ્યો છે. વાત છે, દિલીપભાઈ કાળુભાઈ હિરપરા નામના ૩ર વર્ષિય ખેડૂતની. તેણે સંઘર્ષ સાથે ખેતીને પ્રાકૃતિક સ્વરૂપ આપ્યુ છે. ર૦૧૯માં રાસાયણિક ખેતીના ખર્ચાઓ, પેસ્ટીસાઈડના ખર્ચાઓ અને છતાં ઉત્પાદનમાં કોઈ ફેર નહિ આથી કંટાળીને પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. પોતાની પાસે રહેલી ત્રણ ગાયોના ગૌમૂત્રમાંથી વિવિધજીવામૃત, ઘનામૃત તૈયાર કરીને જમીનમાં આપી જમીન ફરી ઉપજાવ અને જીવંત બનાવી છે. ચોમાસા દરમ્યાન પોતાની જમીનમાં મગફળી, હળદર અને મરચીનું વાવેતર કરે છે. તેઓ ખેત ઉત્પાદન વેચવા માર્કેટિંગ યાર્ડમાં જતા નથી. પોતાના ખેત ઉત્પાદન મગફળીમાંથી તેલ કાઢીને વેચે છે. હળદરમાંથી હળદર પાવડર બનાવીને વેચાણ કરે છે. જયારે મરચામાંથી મરચી-મરચુ પાવડર બનાવીને વેચાણ કરે છે. જયારે શિયાળા દરમ્યાન સોનામોતી ઘઉંનું વાવેતર કરી બધા જ ઘઉં ઘેર બેઠા વેચાણ કરે છે. ઉપરાંત ગીર ગાયનું ઘી વેચાણ કરીને ઘરના ખર્ચાઓ આરામથી કાઢે છે. આ ઉપરાંત દિલીપભાઈ ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી અલગ-અલગ પ્રોડક્ટ્સ બનાવે છે. જેમાં હેર ઓઈલ, ધૂપબતી, પંચગવ્ય સાબુ આવી અવનવી નેચરલ પ્રોડક્ટ્સ બનાવીને વેચાણ કરે છે. દિલીપભાઈને પૂછયું કે ખેતીમાંથી ગુજરાન ચાલે છે ? ત્યારે તેઓએ કહ્યું, ‘કોઈપણ ધંધામાં મહેનત સિવાય સફળતા મળતી નથી. તો બાપ-દાદાએ વારસામાં આવેલી જમીનમાં જ મહેનત કરીને આર્થિક આત્મનિર્ભર બનવું શું ખોટુ. અહિં શેઠ હું, મેનેજર હું, કોઈનો તૂંકારો નહિ અને સ્વમાન ભેર જીંદગી’ દિલીપભાઈનો સંપર્ક. ૯પ૮૬ર ૪૦૭૭૭.













































