ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ શુક્રવારે તેહરાનમાં શુક્રવારની નમાજ બાદ હાજર લોકોની ભીડને સંબોધિત કરી હતી. તેહરાનની ગ્રાન્ડ મસ્જીદમાંથી આપવામાં આવેલા આ ભાષણમાં ખામેનીએ મુસ્લીમોને એકતા માટે અપીલ કરી હતી. તેહરાનની ગ્રાન્ડ મસ્જીદદમાં હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહ અને ઈરાની જનરલ અબ્બાસ નિલફોરશનની યાદમાં પ્રાર્થના કરવામાં આવી હતી. આ પછી શુક્રવારની પ્રાર્થના કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ કર્યું હતું. આ દરમિયાન ખામેનીના ભાષણને રાષ્ટ્રને સંબોધન કહી શકાય. જેમાં ખમેનીએ ઈઝરાયેલ પર આકરા પ્રહારો કર્યા હતા.
ખામેનીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ‘જો બધા મુસ્લીમો એક થાય તો બધા દુશ્મનો પરાજિત થઈ જશે. દુશ્મનોનો ઘમંડ મુસ્લીમો વચ્ચેના વિભાજન અને મતભેદોને દર્શાવે છે. ખામેનીએ ઈઝરાયેલ પર તાજેતરના મિસાઈલ હુમલાઓને યોગ્ય ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો યોગ્ય અને કાયદાકીય રીતે સાચો હતો. દરેક દેશને તેના હિત અને તેના ઘરનું રક્ષણ કરવાનો અધિકાર છે. પેલેસ્ટાઈન અને લેબનોનના મુસ્લીમો પર હુમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઈરાને મિસાઈલોથી જવાબ આપ્યો હતો.