પાકિસ્તાનમાં લશ્કરી શાસન આવશે ?
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનિરને પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ફિલ્ડ માર્શલનો ખિતાબ આપતાં આ ચર્ચા શરૂ થઈ છે કેમ કે ભૂતકાળમાં અયુબ ખાનને ફિલ્ડ માર્શલનો ખિતાબ અપાયો પછી તેમણે પાકિસ્તાનમાં સત્તા પર કબજો કરી લીધો હતો. ફિલ્ડ માર્શલ વિશ્વમાં કોઈ પણ દેશના લશ્કરમાં સર્વોચ્ચ રેન્ક ગણાય છે. સામાન્ય રીતે કોઈ પણ દેશના લશ્કરી વડા બનનારા અધિકારી ફોર સ્ટાર રેન્ક ધરાવતા હોય છે. ફિલ્ડ માર્શલ તેના કરતાં પણ ઉંચી રેન્ક છે. ફિલ્ડ માર્શલ ફાઈવ સ્ટાર રેન્કના અધિકારી ગણાય છે.
પાકિસ્તાનની આર્મીમાં પણ ફિલ્ડ માર્શલ સર્વોચ્ચ પદ છે. પાકિસ્તાન સરકાર દ્વારા પાકિસ્તાન આર્મીના અધિકારીઓને વિશિષ્ટ સેવાના સન્માન તરીકે ફિલ્ડ માર્શલ તરીકેનું સન્માન આપવામાં આવે છે. પાકિસ્તાનના ઇતિહાસમાં ૧૯૫૯માં અયુબ ખાનને અને હવે ૨૦૨૫માં અસીમ મુનીરને એમ ફક્ત બે લશ્કરી વડાને જ ફિલ્ડ માર્શલ બનાવાયા છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને કરેલા આક્રમણે પાકિસ્તાનને હતપ્રભ કરી દીધેલું પણ પાકિસ્તાન આર્મી તમાચો મારીને ગાલ લાલ રાખી રહી છે. ભારતના આક્રમણનો પાકિસ્તાન આર્મીએ જોરદાર જવાબ આપ્યો, ભારતનાં રફાલ વિમાન તોડી પાડ્યાં એવાં જૂઠાણાં ચલાવીને પાકિસ્તાન આર્મીની વાહવાહી કરાઈ રહી છે. આ જૂઠાણાં અને કુપ્રચારને વિશ્વસનીય બનાવવા માટે જનરલ મુનિરને ફિલ્ડ માર્શલ બનાવી દેવાયા છે કેમ કે શાહબાઝ શરીફની સરકાર તો લશ્કરની કઠપૂતળી જેવી સરકાર છે. રાજકીય વિશ્લેષકોને લાગે છે કે, પાકિસ્તાનની જનતાની નજરમાં અસીમ મુનિરને હીરો બનાવીને પાકિસ્તાનમાં ફરી લશ્કરી શાસનનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે. અસીમ મુનિર સત્તા કબજે કરવા માટે થનગની રહ્યા છે.
પાકિસ્તાનમાં લશ્કરી શાસન નવી વાત નથી.
પાકિસ્તાન ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ અસ્તિત્વમાં આવ્યો ત્યારે લોકશાહી દેશ હતો પણ પાકિસ્તાનમાં લોકશાહીનું આઝાદીના શરૂઆતના વરસોમાં જ અચ્યુતમ કેશવમ થઈ ગયું હતું. પાકિસ્તાનમાં લશ્કર શરૂઆતથી જ ચડી બેઠું હતું તેથી લશ્કરનું જ ચાલે છે. પાકિસ્તાનમાં લોકશાહી માત્ર નામ પૂરતી રહી ગઈ છે. બાકી અસલી સત્તા લશ્કરની જ ચાલે છે.
લશ્કરી અધિકારીઓ સમયાંતરે ચૂંટાયેલી સરકારોને ઘરભેગી કરીને પાકિસ્તાનના શાસકો બની જાય છે. લશ્કરી અધિકારી શાસક ના બને ત્યારે લશ્કરની કઠપૂતળી જેવા શાસકને બેસાડી દેવાય છે. અત્યારે શાહબાઝ શરીફ એ રીતે લશ્કરની મહેરબાનીથી જ સરકાર ચલાવી રહ્યા છે. પાકિસ્તાનના ઈતિહાસમાં અડધાથી વધારે વરસ પાકિસ્તાનીઓએ લશ્કરી એડી તળે વિતાવ્યાં છે.
પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે જનરલ ફ્રાન્ક મેસર્વી પાકિસ્તાનના લશ્કરી વડા નિમાયેલા. જનરલ મેસર્વી પછી જનરલ ડગ્લાસ ગ્રેસી કમાન્ડર-ઈન-ચીફ બન્યા. જનરલ ગ્રેસી ૧૬ જાન્યુઆરી ૧૯૫૧ સુધી પાકિસ્તાનના લશ્કરી વડા રહ્યા. બ્રિટને ૧૯૫૧માં પાકિસ્તાની સરકારને લશ્કરનો સંપૂર્ણ હવાલો સોંપ્યો પછી જનરલ અયુબ ખાન પહેલા કમાન્ડર-ઈન-ચીફ બન્યા.
અયુબ ખાનની નિમણૂકના બે મહિના પછી મેજર જનરલ અકબર ખાને પાકિસ્તાની વડાપ્રધાન લિયાકત અલી ખાન સામે બળવો કર્યો. સામ્યવાદી વિચારધારા ધરાવતા અકબર ખાને રશિયાના ઈશારે બળવો કરેલો તેથી અમેરિકાના ઈશારે જનરલ અયુબ ખાને આ બળવો દાબી દીધો હતો.
પાકિસ્તાનમાં ૧૯૫૪માં બીજો બળવો થયો. ગવર્નર જનરલ ગુલામ મુહમ્મદે ખ્વાજા નઝીમુદ્દીનની સરકારને બહુમતી છતાં જનરલ અયુબ ખાનના ઈશારે સસ્પેન્ડ કરી દીધેલી. પાકિસ્તાની સંસદને વિખેરી નાંખીને ગાદી પર બેસાડાયેલા ગુલામ મુહમ્મદને પણ થોડા સમય પછી અયુબ ખાને ઘરભેગા કરીને ઈસ્કંદર મિર્ઝાને ગવર્નર જનરલ બનાવી દીધા હતા. મિર્ઝાએ બંધારણ સુધારીને ગવર્નર જનરલના બદલે પ્રમુખનો હોદ્દો ઉભો કરીને ૧૯૫૬માં પહેલા પ્રમુખ બન્યા.
અયુબના ઈશારે થયેલી ચૂંટણી પછી ફિરોઝખાન નૂનને વડાપ્રધાન બનાવાયેલા પણ નૂને સ્વતંત્ર થવા પ્રયત્ન કરતાં અયુબે સંસદને બરખાસ્ત કરાવીને નૂનને તગેડી મૂક્યા અને પાકિસ્તાનમાં માર્શલ લો એટલે કે લશ્કરી શાસન જાહેર કરીને અયુબ ખાનને ચીફ માર્શલ લો એડમિનિસ્ટ્રેટર બનાવ્યા. ૧૩ દિવસ પછી અયુબ ખાને ઈસ્કંદર મિર્ઝાને તગેડી મૂક્યા અને પોતે પ્રમુખ બની ગયા.
જનરલ અયુબ ખાન પાકિસ્તાનના પહેલા લશ્કરી શાસક બન્યા.
અયુબ ખાને ૧૧ વર્ષ શાસન કર્યું.
અયુબના શાસનકાળમાં ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુધ્ધમાં પાકિસ્તાનની કારમી હારના પગલે લશ્કરમાં ભારે અસંતોષ હોવાથી ત્રણ વાર અયુબ ખાનને ઉથલાવી દેવા બળવા થયા. અયુબ ખાને તેને દબાવી દીધા પણ અસંતોષ વધતાં ૧૯૬૯માં રાજીનામું આપીને લશ્કરી વડા જનરલ યાહ્યા ખાનને સત્તા સોંપી દીધી.
યાહ્યા ખાને પાકિસ્તાનમાં ચૂંટણી કરાવીને લોકશાહીની સ્થાપનાનું વચન આપેલું. યાહ્યા ખાન પણ અયુબના રસ્તે ગયો અને લોકશાહીની સ્થાપના કરવાના બદલે પોતે પ્રમુખ બની ગયો. યાહ્યા ખાનના સમયમાં બાંગ્લાદેશની મુક્તિની ચળવળ ઉગ્ર બની. આ ચળવળને દબાવી દેવા યાહ્યા ખાને બેફામ અત્યાચારો કરાવ્યા. યાહ્યા ખાને ૧૯૭૧માં ભારત પર આક્રમણ કર્યું પણ ભારતે પાકિસ્તાનનાં ઉભાં ફાડિયાં કરીને બાંગ્લાદેશનું સર્જન કરતાં યાહ્યાની આબરૂના ધજાગરા થઈ ગયા. પાકિસ્તાનના ૯૩ હજાર સૈનિકોને ભારતે કેદ કર્યા તેથી પાકિસ્તાની લશ્કર સાવ તૂટી ગયું ને બેઆબરૂ યાહ્યા ખાને રાજીનામું ધરી દેવું પડ્યું.
૧૯૭૭માં પાકિસ્તાન ફરી લશ્કરી શાસન તળે આવ્યું.
યાહ્યા ખાન પછી સત્તામાં આવેલા ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સામે અસંતોષ થઈ ગયો હતો. ૧૯૭૭ની ચૂંટણી ભુટ્ટોએ ગરબડો કરીને જીતી પછી કટ્ટરવાદીઓએ ભુટ્ટો સામે મોરચો માંડ્યો. ભુટ્ટોએ સિનિયર અધિકારીઓની અવગણના કરીને જનરલ ઝિયા ઉલ હકને લશ્કરી વડા બનાવેલા પણ ઝીયાએ ભુટ્ટોને જ ઉથલાવી દીધા. ઝિયાએ ઓપરેશન ફેર પ્લે દ્વારા ભુટ્ટોને ઉથલાવીને સત્તા કબજે કરી અને માર્શલ લો લાદીને સંસદને બરખાસ્ત કરીને પાકિસ્તાનના બંધારણને પણ સસ્પેન્ડ કરી દીધું.
ઝિયાએ ભુટ્ટોને ફાંસીએ લટકાવી દીધા હતા.
જનરલ ઝિયાએ પાકિસ્તાન પર ૧૧ વર્ષ રાજ કર્યું. ઝીયાને ભારત સામે સીધું યુધ્ધ કરવાના બદલે આતંકવાદ ફેલાવીને ભારતને પરેશાન કરવાની ગંદી નીતિના પ્રણેતા માનવામાં આવે છે. ઝીયાએ પંજાબ અને કાશ્મીર એમ બે રાજ્યોમાં આતંકવાદ ફેલાવીને ભારતને ભારે પરેશાન કર્યું હતું. ૧૯૮૭માં વિમાન અકસ્માતમાં ઝિયાનું મોત થયું પછી પાકિસ્તાનમાં લોકશાહી સ્થપાઈ.
પાકિસ્તાનમાં ૧૯૯૯માં ફરી લશ્કરી શાસન આવ્યું.
જનરલ પરવેઝ મુશર્રફે ૧૯૯૯માં પાકિસ્તાનના લશ્કરી વડા તરીકે ભારત સામે કારગિલ યુધ્ધ કરાવેલું. કારગિલ યુધ્ધમાં પાકિસ્તાનની હાર થતાં શરીફ સામે પાકિસ્તાનીઓમાં અસંતોષ હતો. તેનો લાભ લઈને ૧૯૯૯માં પરવેઝ મુશર્રફે બળવો કરીને નવાઝ શરીફને ઉથલાવી દીધા ને સત્તા કબજે કરી. પરવેઝ મુશર્રફે ૨૦૦૮ સુધી રાજ કર્યું. લોકોમાં અસંતોષ વધતાં તેમણે પણ સત્તા છોડી અને ભાગી ગયા. પરવેઝ મુશર્રફને તો કોર્ટે ફાંસીની સજા પણ ફટકારી હતી પણ તેનો અમલ થાય એ પહેલાં મુશર્રફ ઉપર પહોંચી ગયા.
અસીમ મુનિર પણ સત્તા કબજે કરવાની ફિરાકમાં છે.
પાકિસ્તાનમાં ભૂતકાળમાં જનરલ વાહિદ કક્કર જેવા શાણા લશ્કરી વડા પણ આવ્યા કે જેમણે સરમુખત્યાર બનવાના બદલે કઠપૂતળી સરકારો બનાવડાવી, જનરલ ઝિયા ઉલ હકના મોત પછી ગુલામ ઈશાક ખાન પ્રમુખ બનેલા. એ વખતે પાકિસ્તાની લશ્કરના વડા તરીકે જનરલ વાહિદ કક્કર હતા. તેમના ઈશારે ખાને ૧૯૯૦માં બેનઝીર ભુટ્ટોને વડાપ્રધાન પદેથી સસ્પેન્ડ કરીને લશ્કરી શાસન લાદી દીધેલું. એ પછી ચૂંટણી આવી તેમાં નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા. ખાને ૧૯૯૩માં શરીફને પણ સસ્પેન્ડ કરીને લશ્કરી સત્તા સ્થાપેલી. નવાઝ શરીફે જનરલ કક્કરને પોતાની તરફેણમાં કર્યા. કક્કરે સમાધાનની ફોર્મ્યુલા તરીકે ખાનને પણ રાજીનામું અપાવડાવ્યું. કક્કરે પાકિસ્તાની લશ્કરને સત્તા લેવા ફરમાન કર્યું પણ લશ્કરી શાસન એટલે કે માર્શલ લો નહોતો લાદ્યો. તેના બદલે તેમણે કઠપૂતળી જેવા વડાપ્રધાનોને બેસાડ્યા ને પછી ચૂંટણી પણ કરાવી.
મુનિર અત્યારે એ જ ભૂમિકામાં છે પણ બહુ જલદી નવી ભૂમિકામાં આવી શકે છે. મુનિર પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓના પ્રિય છે અને હળાહળ ભારત વિરોધી માનસિકતા ધરાવે છે. ભારત સામે ઝેર ઓક્યા કરતા મુનિરની સત્તાલાલસા લાંબા સમયથી સળવળી રહી છે પણ પાકિસ્તાનની ખરાબ આર્થિક હાલતના કારણે એ હિંમત નથી કરતા. પાકિસ્તાનને અત્યારે વિદેશી સંસ્થાઓ પાસેથી મદદ જોઈએ છે તેથી લોકશાહીનું નાટક કરાઈ રહ્યું છે પણ મુનિર બહુ જલદી આ નાટક પર પડદો પાડીને પોતે સત્તા હસ્તગત કરી લેશે એવી ધારણા છે.