મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે, રાજ્યના ખેડૂતોના હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ખેતીની જમીનના વેચાણમાં ખેડૂત ખરાઈ પ્રક્રિયા સરળ બનાવાઈ, ૬ એપ્રિલ ૧૯૯૫ પછીના રેકોડ્‌ર્સને જ ધ્યાનમાં લેવાશે, બિનખેતી પરવાનગી પ્રક્રિયામાં સુધારા આવશે. આ નિર્ણયોથી ખેડૂતોને જે ફાયદા થશે તેમાં જૂના રેકોડ્‌ર્સની અનુપલબ્ધતાની સમસ્યા દૂર થશે, વેચાણ-નોંધ અને બિનખેતી મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનશે. ખેડૂતોને અનાવશ્યક દસ્તાવેજો રજૂ કરવામાંથી મુક્તિ મળશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ નિર્ણયોથી ખેડૂતોને વહીવટી પ્રક્રિયાઓમાં રાહત મળશે અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન મળશે. વિધાનસભાના સભ્યો અને ભાજપના નેતાઓએ આ નિર્ણયોનું સ્વાગત કર્યું છે. અમરેલી જિલ્લાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આ નિર્ણયો અંગેના ઠરાવો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યા છે અને તેનો તાત્કાલિક અમલ શરૂ થશે.