મુખ્યમંત્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમની કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે મુખ્યમંત્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તુરત જ પોતાની કોન્વોય રોકાવી દીધી હતી અને તેઓ કારમાંથી નીચે ઉતરી ગયા હતા. કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જાઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું.એટલું જ નહિ મુખ્યમંત્રીએ આ બાળકો વચ્ચે બેસીને તસવીર પડાવી હતી તેમજ વડીલ વાત્સલ્ય ભાવથી બાળકો સાથે સંવાદ કરીને તેમના અભ્યાસ, વર્ગ ખંડ, શાળાની સુવિધાઓ અને માતા-પિતા તથા પરિવાર અંગે પૃચ્છા પણ કરી હતી.
આ બાળકોના ચહેરા પર પણ મુખ્યમંત્રીને મળવાનો આનંદ છલકાતો જાવા મળ્યો હતો અને મુખ્યમંત્રીની આ સહજતા તથા શિશુ પ્રેમ જાઈને ગ્રામજનોએ પણ આનંદ સહ આશ્ચર્ય અનુભવ્યું હતું.