મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર પટેલની કર્મભૂમિ સ્વરાજ આશ્રમ, બારડોલીની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વરાજ આશ્રમ, બારડોલીની તેમની મુલાકાત દરમિયાન સરદાર પટેલ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ભાવાંજલિ આપી હતી.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સરદાર નિવાસની મુલાકાત લઇ આશ્રમના ટ્રસ્ટીગણ પાસેથી સરદાર સાહેબે ખેડૂતો માટે કરેલા સંઘર્ષ અંગે વિગતે જાણકારી મેળવી હતી. બારડોલી સત્યાગ્રહ દ્વારા વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે ઓળખાયા તેની જાણકારી પણ તેમણે મેળવી હતી.
સરદાર સાહેબ સ્વરાજ આશ્રમમાં તેમના નિવાસ દરમિયાન જે ખંડમાં વિવિધ રાષ્ટ્રહિત પ્રવૃત્તિઓ કરતા હતા તે ખંડ અને સ્મૃતિ ચિન્હોનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ કર્યુ હતુ અને સરદાર સાહેબની ભાવવંદના કરી હતી.આશ્રમના સંચાલકોએ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના આ વર્ષમાં મુખ્યમંત્રી સ્વરાજ આશ્રમની મુલાકાતે આવ્યા એ માટે ખુશી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા આશ્રમને કરવામાં આવતી મદદ અંગે ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આશ્રમના પ્રમુખ ભીખાભાઈ પટેલ, ઉપપ્રમુખ કિરીટ પટેલ અને મંત્રી નિરંજનાબેને મુખ્યમંત્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન સુરતના સાંસદ મુકેશ પટેલ, ધારાસભ્ય સર્વ ગણપતસિંહ વસાવા, ઈશ્વર પરમાર, સંદીપ દેસાઈ, મોહન, કલેકટર ડા. સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ અધિક્ષક હિતેશ જાયસર, ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, પૂર્વ જિલ્લા પ્રમુખ ભાવિન પટેલ તેમજ સંબંધકર્તા ઉપસ્થિત રહ્યા હતા.