મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે ૧૦ વીઘાના વિશાળ કેમ્પસમાં નિર્માણ પામનાર અત્યાધુનિક મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખીને જનકલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, તેના પરિણામે આજે અંતરિયાળ વિસ્તારોમાં પણ અદ્યતન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બની છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ હોસ્પિટલ સમગ્ર ઉત્તર ગુજરાત માટે એક આધુનિક આરોગ્યધામ બનશે. મુખ્યમંત્રીએ આ અવસરે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા પૂરી પાડવાના યજ્ઞમાં પોતાનું યોગદાન આપનાર સૌ દાતાઓને સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ આરોગ્ય ક્ષેત્રે પરિવર્તન લાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોને બિરદાવતા કહ્યું કે, ૧૧ વર્ષના તેમના કાર્યકાળમાં તબીબી સેવાની સાથે તબીબી શિક્ષણમાં પણ આમૂલ પરિવર્તન આવ્યું છે. જ્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં ૧,૧૭૫ મેડિકલ સીટો હતી તેમના વિઝનરી નેતૃત્વમાં તેમાં માતબર વધારો થયો છે.