શિવસેના ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સીએમ ફડણવીસ બીડના નક્સલવાદીઓને રક્ષણ આપી રહ્યા છે. જિલ્લાની વહાલી બહેનોને વિધવા બનાવનારા આવા લોકોને તેઓ રક્ષણ આપી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બીડમાં હત્યાની ૩૮ જેટલી ઘટનાઓ નોંધાઈ છે.
તેમણે સવાલ પૂછ્યો કે શું મુખ્યમંત્રી નક્સલવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરશે? ‘અર્બન નક્સલ’ ફડણવીસનો ફેવરિટ શબ્દ બની ગયો છે, આવી સ્થિતમાં તેઓ ‘બીડના નક્સલવાદીઓ’ સામે ક્યારે પગલાં લેશે?
૯ ડિસેમ્બરે બીડ જિલ્લાના મસજાગ ગામના સરપંચ સંતોષ દેશમુખના અપહરણ અને હત્યાના મામલામાં વિપક્ષ સતત સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. રાજ્યની સત્તાધારી મહાયુતિ સરકારને પણ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તેમનો આરોપ છે કે સરકાર આ મામલે કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. સરકારે મંત્રીના સહયોગીને છૂટ આપી છે. રાઉતે કહ્યું કે સરપંચના સાચા હત્યારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આ માટે ૨૯મી ડિસેમ્બરે સર્વપક્ષીય મોરચો બોલાવવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ બીડમાં નક્સલવાદનો અંત લાવવો જાઈએ. તેમણે પ્રશ્ન પૂછ્યો કે શું આરએસએસ, ફડણવીસ અને ભાજપ બીડમાં નક્સલવાદને સમર્થન આપે છે? તેમના કારણે અમારી વહાલી બહેનો વિધવા બની છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો કે દેશમુખની હત્યા કેસના આરોપીઓ કેબિનેટમાં જ છે.
શિવસેના (યુબીટી) નેતાએ કહ્યું કે ફડણવીસે યાદ રાખવું જાઈએ કે તેમણે તેમના વિરોધીઓને ખતમ કરવા માટે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું નથી. તેમજ તેઓ પોતાના રાજકીય કાર્યકરો અને નેતાઓના રક્ષણ માટે ગૃહ મંત્રાલયનો ઉપયોગ કરી શકતા નથી. તેના બદલે રાજ્યના સામાન્ય નાગરિકોની સેવા કરવા માટે ગૃહ મંત્રાલય તેમની પાસે રાખવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના તાજેતરમાં યોજાયેલા શિયાળુ સત્ર દરમિયાન, વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે મંત્રી ધનંજય મુંડેના ‘સહયોગી’ વાલ્મિક કરાડ દેશમુખ કેસમાં સામેલ હતા. જાકે કરાડનું નામ નથી. હત્યા બાદ રાજકીય જગતમાં ભારે હોબાળો થયા બાદ બીડના પોલીસ અધિક્ષકની બદલી કરવામાં આવી હતી.