આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદને લઈને ચાલી રહેલા વિવાદને કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ને પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓના અહેવાલોએ પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી અને માછલીના તેલની હાજરીની પુષ્ટિ કરી છે. આ અહેવાલ બાદ પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના ૧૦૦ દિવસના શાસનથી ધ્યાન હટાવવા માટે તેમને લાદવામાં આવ્યા છે. પૂર્વ સીએમએ વધુમાં કહ્યું કે નાયડુની વિચારસરણી રાજનીતિ માટે ભગવાનનો ઉપયોગ કરવા જેવી છે. જો કે આ પહેલા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અગાઉની સરકાર પર પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો.
જગન મોહન રેડ્ડીએ મુખ્ય પ્રધાનને ઘેરતાં કહ્યું, “આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ એવા વ્યક્તિ છે જે રાજકીય લાભ માટે પણ ભગવાનનો ઉપયોગ કરી શકે છે. તેમની માનસિકતા રાજકારણ માટે ભગવાનનો ઉપયોગ કરવાની છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ઘીમાં ભેળસેળના આરોપો ખૂબ જ ગંભીર છે.”વાયએસઆરસીપી પ્રમુખે સીએમ નાયડુને પૂછ્યું કે શું કરોડો ભક્તોની ભાવનાઓ સાથે રમત કરવી યોગ્ય છે? જગન મોહન રેડ્ડીની બહેન અને આંધ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વાયએસ શર્મિલાએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીમાં એનડીએ વિધાનસભ્ય દળની બેઠકમાં દાવો કર્યો હતો કે તિરુમાલા લાડુ પણ હલકી ગુણવત્તાવાળા ઘટકોમાંથી બનાવવામાં આવે છે. તેઓ ઘીના બદલે પશુ ચરબીનો ઉપયોગ કરતા હતા. તેમણે વધુમાં કહ્યું કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને મંદિરની દરેક વસ્તુને સેનિટાઈઝ કરવામાં આવી છે.
આ સાથે વિપક્ષી પાર્ટીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે તે આ મામલે બુધવારે સુનાવણી કરશે. બીજી તરફ કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે
આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લાના તિરુપતિ ખાતે તિરુમાલા પહાડીમાં આવેલું શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ભગવાન વિષ્ણુના સ્વરૂપ વેંકટેશ્વરને સમર્પિત છે. આ મંદિરને તિરુમાલા મંદિર, તિરુપતિ મંદિર અને તિરુપતિ બાલાજી મંદિર જેવા અન્ય લોકપ્રિય નામોથી પણ ઓળખવામાં આવે છે. તિરુપતિ મંદિરનું સંચાલન આંધ્ર પ્રદેશ સરકાર હેઠળના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ નામના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
તિરુમાલા વેંકટેશ્વર મંદિર તેના આધ્યાત્મીક મહત્વ માટે જ નહીં પરંતુ તેના પ્રતિષ્ઠિત પ્રસાદ, તિરુપતિ લાડુ માટે પણ જાણીતું છે. આ સ્વાદિષ્ટ લાડુ મંદિરનું પ્રતીક બની ગયું છે, જેની પાછળ ૩૦૦ વર્ષથી વધુનો ઇતિહાસ પણ છે. તિરુપતિ લાડુનું પણ ઐતિહાસિક મહત્વ છે. લાડુ ચઢાવવાની પરંપરા પલ્લવોના સમયથી છે અને બાદમાં વિજયનગર સામ્રાજ્ય હેઠળ તેને ઔપચારિક બનાવવામાં આવી હતી. આટલા લાંબા સમયમાં લાડુના સ્વરૂપમાં ઘણા ફેરફારો થયા છે. લાડુનું હાલનું સ્વરૂપ સૌપ્રથમ ૧૯૪૦ ના દાયકામાં દેખાયું જ્યારે ગોળાકાર આકારના પ્રસાદની શરૂઆત થઈ. વર્ષોથી આ પવિત્ર મીઠાઈ તિરુમાલાની મુલાકાતનો પર્યાય બની રહી છે, અને કોઈપણ ભક્ત તેને લીધા વિના ઘરે પરત ફરતો નથી.તિરુમાલા મંદિરમાં લાડુની તૈયારીમાં મોટા પાયે ઉત્પાદન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. દરરોજ લગભગ એક ટન ચણાનો લોટ, ૧૦ ટન ખાંડ, ૭૦૦ કિલો કાજુ, ૫૦૦ કિલો ખાંડ કેન્ડી અને ૩૦૦-૫૦૦ લિટર ઘીનો ઉપયોગ થાય છે. આટલી મોટી માત્રા હોવા છતાં, લાડુ તેનો અનોખો સ્વાદ અને સુગંધ જાળવી રાખે છે. સમયની સાથે લાડુ બનાવવાની આધુનિક તકનીકો પણ આવી. ૧૯૮૪થી રસોડામાં લાકડાનું સ્થાન એલપીજીએ લીધું અને આજે દરરોજ લગભગ ૨.૫ લાખ લાડુ બનાવવામાં આવે છે. જો કે, આટલી મોટી માત્રામાં લાડુનો મૂળ સ્વાદ જાળવી રાખવો એ એક પડકાર છે. ગુણવત્તા જાળવવા માટે,ટીટીડી એ ઘણી વખત ઘટકોના ગુણોત્તરમાં ફેરફાર કર્યો છે. લાડુને ૨૦૦૯માં ભૌગોલિક સંકેતનો દરજ્જા મળ્યો હતો.પહેલા મુખ્યમંત્રીની ટીપ્પણી અને પછી લેબ રિપોર્ટનો સંદર્ભ, તેના કારણે આ મુદ્દો પણ રાજકારણનું કેન્દ્ર બન્યો હતો. આંધ્ર પ્રદેશ ભાજપે સમગ્ર ઘટનાની તપાસની માંગ કરી હતી અને અગાઉની વાયએસ જગન મોહન રેડ્ડી સરકાર પર ‘ઘરેખર હિંદુ વિરોધી’ હોવાનો અને ટીટીડી ફંડનું ગેરવહીવટ કરવાનો આરોપ લગાવ્યો હતો. દરમિયાન કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોડારેડ્ડી રામભુપાલ રેડ્ડીએ પણ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો સીએમ નાયડુ પોતાના આરોપો પર અડગ છે તો ઔપચારિક તપાસની જરૂર છે.