બોમ્બે હાઈકોર્ટે સોમવારે ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં ૧૨ લોકોની સજા રદ કરી. પુરાવાના અભાવે કોર્ટે તેમને પણ નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષ તેમની સામેનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. મુંબઈના પશ્ચિમ રેલ્વે નેટવર્કને હચમચાવી નાખનારા આતંકવાદી હુમલાના ૧૯ વર્ષ પછી આ ચુકાદો આવ્યો છે. આ હુમલામાં ૧૮૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો અને ઘણા લોકો ઘાયલ થયા.જસ્ટેસ અનિલ કિલોર અને જસ્ટેસ શ્યામ ચાંડકની ખાસ બેન્ચે કહ્યું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપીઓને દોષિત ઠેરવવા માટે પૂરતા નથી. કોર્ટે કહ્યું કે, ‘આરોપી પક્ષ આરોપીઓ સામેનો કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. એ માનવું મુશ્કેલ છે કે આરોપીઓએ ગુનો કર્યો છે. તેથી તેમની સજા રદ કરવામાં આવે છે.’
બેન્ચે કહ્યું કે તે પાંચ દોષિતોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા અને બાકીના સાતને આજીવન કેદની સજા યથાવત રાખવાનો ઇનકાર કરે છે અને તેમને નિર્દોષ જાહેર કરે છે. કોર્ટે કહ્યું કે જા આરોપીઓ અન્ય કોઈ કેસમાં વોન્ટેડ ન હોય, તો તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવશે.
૨૦૧૫માં, એક ખાસ કોર્ટે આ કેસમાં ૧૨ લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી પાંચને મૃત્યુદંડની સજા અને બાકીના સાતને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સોમવારે હાઈકોર્ટના ચુકાદા પછી, રાજ્યભરની વિવિધ જેલમાંથી વીડિયો કોન્ફરન્સંગ દ્વારા કોર્ટમાં હાજર થયેલા દોષિતોએ તેમના વકીલોનો આભાર માન્યો.
૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ, પશ્ચિમ લાઇન પર વિવિધ સ્થળોએ મુંબઈ લોકલ ટ્રેનોમાં સાત વિસ્ફોટ થયા હતા. આ દરમિયાન ૧૮૦ થી વધુ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.










































