પંજોબના ગાયક-રાજકારણી સિદ્ધુ મુસેવાલાની હત્યાના થોડા દિવસો બાદ મુંબઈ પોલીસે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. મુસેવાલા હત્યા કેસમાં તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇનું નામ સામે આવવાથી સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરાયો છે. સિદ્ધુ મુસેવાલા હત્યાના કેસમાં પોલીસે પ્રથમ ધરપકડ કરી છે. પંજોબ પોલીસએ ઉત્તરાખંડથી અટકાયતમાં લેવાયેલા મનપ્રીત સિંહ નામના શખ્સની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. આ ગેંગે ઘણા વર્ષો પહેલા સલમાન ખાનને જોનથી મારી નાખવાની ધમકી આપી હતી. પંજોબ જેવી ઘટના બને તેવું મુંબઈ પોલીસ નથી ઇચ્છતી, એટલે પોલીસે ભાઈની સુરક્ષા વધારી દીધી છે. અહેવાલ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, સલમાન ખાન બિશ્નોઇ ગેંગની ગતિવિધિથી સુરક્ષિત રહે તે માટે મુંબઇ પોલીસે તેની સંપૂર્ણ સુરક્ષા વધારી દીધી છે. મુંબઈ પોલીસ સલમાનના એપાર્ટમેન્ટની આસપાસ હાજર રહેશે. આ પહેલા સલમાન હમ સાથ સાથ હૈંના શૂટિંગ દરમિયાન કાળિયાર હરણ શિકાર કેસ બાદ બિશ્નોઇના રડાર પર હતો. લોરેન્સ બિશ્નોઇએ કાળા હરણના શિકારના કેસમાં સલમાન ખાનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ સમાજ કાળિયાર હરણને પવિત્ર માને છે અને તેના શિકાર બાબતે સલમાન ખાનને જોનથી મારી નાખવાની ધમકી આપી હતી. ૨૦૨૦માં સલમાનની હત્યાના કાવતરાના આરોપસર ધરપકડ કરાયેલા બિશ્નોઇના નજીકના સાથીઓમાંના એક રાહુલ ઉર્ફે સુન્નીએ કબૂલાત કરી હતી કે, તેણે સલમાનની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું અને તે હત્યાની રેકી કરવા માટે મુંબઇ પણ ગયો હતો. આ ઉપરાંત ૨૦૦૮માં કોર્ટની બહાર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હતું કે, તે જોધપુરમાં સલમાન ખાનને મારી નાખશે. તેણે એમ પણ કહ્યું હતું કે, મેં હજી સુધી કંઈ કર્યું નથી, પરંતુ જ્યારે તમે સલમાન ખાનને મારીશ, ત્યારે તમને ખબર પડશે. રવિવારે પંજોબના માણસા જિલ્લામાં સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી, હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.