મુંબઈ અને પુણે જેવા શહેરમાં ૧૫ ડિસેમ્બરથી સ્કૂલો શરુ થશે કે નહિ તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા આવી નથી. જોકે આગામી નાતાલની રજોને ધ્યાનમાં લેતાં સ્કૂલો ડિસેમ્બરને બદલે નવા વર્ષમાં જોન્યુઆરીથી જ શરુ કરવાની માગણી શિક્ષક-વાલીઓ કરી રહ્યાં છે.
અંગ્રેજી માધ્યમ સહિતની અનેક સ્કૂલોમાં ૨૩ ડિસેમ્બરથી પહેલી જોન્યુઆરી દરમ્યાન દરવર્ષે નાતાલની રજો હોય છે. ૧૫ ડિસેમ્બરથી સ્કૂલો શરુ થશે તો ફરી અઠવાડિયામાં નાતાલની રજો શરુ થતાં વિદ્યાર્થીઓને ઘરે રહેવું પડશે. આથી આઠ દિવસ માટે સ્કૂલો શરુ કરવા કરતાં નાતાલની રજો બાદ નવા વર્ષે જોન્યુઆરીમાં જ સ્કૂલો શરુ કરવાની માગણી થઈ રહી છે.
રાજ્ય સરકારે અત્યારે કોરોનાના નવા વેરિએન્ટને ધ્યાનમાં લઈ મુંબઈ, પુણે સહિત નાસિકની સ્કૂલો શરુ કરવાનો નિર્ણય પાછળ ઠેલ્યો હતો. હજીયે નાના બાળકોનું રસીકરણ થયું નથી અને ઉપરથી દિવાળીનું વેકેશન આવી રહ્યું હોવાથી શિક્ષણ વિભાગે વિચાર કરી યોગ્ય નિર્ણય લેવાની માગણી ટીચર્સ ડેમોક્રેટિક ફ્રંટ દ્વારા ઊઠી છે.
ઉપરાંત જોન્યુઆરી મહિનાથી સ્કૂલ બસો પણ શરુ થવાની શક્યતાઓ જણાઈ રહી છે. આથી એ સમયે જ જો સ્કૂલો શરુ થશે તો વાલીઓને પણ બાળકોને લેવા-મૂકવાની ચિંતા રહેશે નહીં. આથી એકંદરે જોતાં સ્કૂલો હવે જોન્યુઆરી મહિનામાં જ શરુ થાય તે વાલીઓને વધુ હિતકર લાગી રહ્યું છે.
રાજ્યભરમાં પહેલી ડિસેમ્બરથી પહેલાંથી બારમા સુધીની સ્કૂલો શરુ થઈ ચૂકી છે. પરંતુ કોરોનાના નવા વેરિએન્ટને કારણે મુંબઈ, પુણે અને નાસિક તેમાંથી બાદ છે. જોકે નાસિકમાં ૧૦મી ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ હવે ૧૩મીથી નાસિકના શહેરી વિસ્તારમાં પણ પહેલાંથી સાતમાની સ્કૂલો શરુ થઈ જશે, એવી ઘોષણા આજે કરવામાં આવી છે. દરમ્યાન નાતાલના વેકેશનના મૂડમાં રહેલાં કેટલાં વિદ્યાર્થીઓ ૧૩મીથી સ્કૂલમાં જોય તે જોવાનું છે.