મુંબઈ માયાનગરી છે. બોલીવુડથી લઈને અનેક દિગ્ગજ ઉદ્યોગપતિઓનું નિવાસ્થાન. આ શહેરમાં રિયલ એસ્ટેટની સ્થિતિ બધા જાણે છે. અહીં ઘર ખરીદવું તો દૂર, ભાડે રહેવું પણ સરળ નથી.
ફોર્બ્સના ડેટા અનુસાર, ૧૮૬૨ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા આમિર ખાન મુંબઈના બાંદ્રા વેસ્ટમાં ભાડાના ઘરમાં રહેવા ગયા છે. તેમણે પાલી હિલ્સમાં ૪ લક્ઝરી એપાર્ટમેન્ટ ભાડે લીધા છે. આ ફ્લેટનું ભાડું દર મહિને ૨૪.૫ લાખ રૂપિયા છે. આ ભાડું દર વર્ષે ૫ ટકાના દરે વધતું રહેશે.સમાચાર અનુસાર, આમિર ખાને પાલી હિલ્સ વિસ્તારમાં ચાર ફ્લેટ ભાડે લીધા છે. તેમણે આ ફ્લેટ આગામી પાંચ વર્ષ માટે ભાડે લીધા છે. તેઓ આ ફ્લેટમાં ૨૦૩૦ સુધી રહેશે. લીઝ કરાર મુજબ, તેમાં ૪૫ મહિનાનો લોક-ઇન સમયગાળો શામેલ છે. આ ભાડા સોદા માટે, આમિર ખાને ૧.૪૬ કરોડ રૂપિયાથી વધુની સિક્યોરિટી ડિપોઝિટ, ૪ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને ૨૦૦૦ રૂપિયાની નોંધણી ફી ચૂકવી છે.
આમિર ખાનની પાસે વિર્ગો હાઉસિંગ સોસાયટીમાં ૧૨ ફ્લેટ્સ છે. આ ફ્લેટ્સમાં હાઈ-પ્રોફાઇલ રીડેવલોપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ એપાર્ટમેન્ટને અલ્ટ્રા-પ્રીમિયમ સી-ફેસિંગ રેસિડેન્સ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે. રીડેવલોપમેન્ટ બાદ તે એપાર્ટમેન્ટનો સર્કલ રેટ વધી જશે. કિંમત ૧ લાખ રૂપિયા પ્રતિ વર્ગ ફુટથી વધુ જશે. એટલે કે ફ્લેટની કિંમત ૧૦૦ કરોડ રૂપિયાને પાર થઈ જશે. રીડેવલોપમેન્ટના કામને કારણે આમિર ખાન પાલી હિલ્સ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો છે. મહત્વનું છે કે મુંબઈનો આ વિસ્તાર બોલીવુડ સિતારાઓથી ભરેલો છે. શાહરૂખ ખાન પણ આ વિસ્તારમાં રહે છે.













































