(એ.આર.એલ),મુંબઇ,તા.૧૭
મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિસને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સીઈઓ તરીકે ઓળખાવ્યા અને ધમકી આપી. પ્રાથમિક માહિતી મુજબ સવારે લગભગ ૧૧ઃ૦૦ વાગ્યે આ કોલ આવ્યો હતો અને ત્યારબાદ આરોપીએ ગીત ગાવાનું શરૂ કર્યું હતું.
કોલ મળ્યા બાદ આરબીઆઇ અધિકારીઓએ તરત જ મુંબઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે રામાબાઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઓળખવા અને તેમના સુધી પહોંચવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને કોલ પાછળ કોણ હતું તે શોધવાના પ્રયાસો જલ્દી કરવામાં આવી રહ્યા છે.
અગાઉ મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. મુંબઈ ડોમેસ્ટિક એરપોર્ટ પર સીઆઇએસએફ કંટ્રોલ રૂમને બુધવારે બપોરે ધમકીભર્યો કોલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક વ્યક્તિ મુંબઈથી અઝરબૈજાન તરફ વિસ્ફોટક સામગ્રી લઈને જઈ રહ્યો હતો. આ કોલથી એરપોર્ટ પર હલચલ મચી ગઈ હતી. સીઆઈએસએફની ટીમે તરત જ મામલાને ગંભીરતાથી લીધો અને સહાર પોલીસ સ્ટેશનને એલર્ટ કર્યું, જેના પગલે પોલીસ કર્મચારીઓની એક ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી અને વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી. ફોન કરનારે કોઈ ચોક્કસ ફ્લાઇટનો ઉલ્લેખ કર્યો ન હતો અને બપોરે ૩ઃ૦૦ વાગ્યાની આસપાસ અચાનક કાલ બંધ કરી દીધો હતો. આ પછી અધિકારીઓએ આ કોલની તપાસ શરૂ કરી.