મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઇ છે. કોહલી એન્ડ કંપનીએ પોતાના પ્રદર્શનતી ન્યૂઝીલેન્ડને સીરીઝની બીજી મેચમાં ઘૂંટણીએ કરી દીધી છે. ભારતે મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાયેલી બીજી મેચમાં કિવી ટીમને ૩૭૨ રને હરાવીને આ ટેસ્ટ સીરીઝ જીતી લીધી હતી. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જયંત યાદવે આજનાં દિવસની શરૂઆતથી જ વિકેટ લેવાની શરૂઆત કરી હતી. તે એક જ બિંદુ પર બોલિંગ કરતો રહ્યો અને કિવી બેટ્‌સમેન આઉટ થતા ગયા. કિવી ટીમની બેટિંગની વાત કરીએ તો માત્ર મિશેલ અને નિકોલસે જ થોડી તાકાત દેખાડી હતી. ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય બોલરોએ લાલ માટીનાં મેદાનનો સારી રીતે ઉપયોગ કર્યો છે. ભારતે આ બીજી મેચમાં પીચે જે મદદ કરી છે તેનો ઘણો ફાયદો ઉઠાવ્યો છે. જો કે, એજોઝ પટેલે ભારતની પ્રથમ ઇનિંગની તમામ વિકેટો લઈને રેકોર્ડનો ધમધમાટ સર્જ્‌યો હતો.
પિચ પરથી મદદ મળતી હોય ત્યારે ટીમ ઈન્ડિયાનાં બોલરો બોલિંગ કરવામાં ક્યાં પાછળ રહેવાના હતા. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં ૩૨૫ રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, ટીમ ઈન્ડિયા માટે મયંક અગ્રવાલે શાનદાર ૧૫૦ રન બનાવ્યા હતા. વળી, ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં જ ૬૨ રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતે ૨૭૬ રન પર પોતાની ઇનિંગ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ ૧૬૭ રન જ બનાવી શકી હતી. અને ટીમ ઈન્ડિયાએ મેચને ૩૭૨ રને જીતી લીધી.