મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગુરુવારે કસ્ટમ્સના ઍર ઇન્ટેલિન્જન્સ યુનિટે દાણચોરીથી લાવવામાં આવેલું ૧.૩૬ કરોડનું સોનું જપ્ત કર્યું હતું. આ બદલ એક પ્રવાસી અને ઍરપોર્ટના એક કર્મચારીને ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ ડિપાર્ચર હાલમાં એક પૅસેન્જર અને તેની સાથે એક બૅકપૅક સાથેનો ઍરપોર્ટનો કર્મચારી સ્ટાફ માટેના વાશરૂમમાંથી નીકળીને બહાર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર શંકા જતાં તેમને અટકાવીને તેમની તલાશી લેવામાં આવી હતી. અધિકારીઓને ઍરપોર્ટના કર્મચારીની બૅગમાંથી ૧.૮૯૨ કિલો સોનાનો પાઉડર, જે મીણમાં મિક્સ કરી દેવાયો હતો, એ મળી આવ્યો હતો. પૅસેન્જર એ સોનું તેના અન્ડરગાર્મેન્ટમાં છુપાવીને લાવ્યો હતો. ઍરપોર્ટના કર્મચારીએ કબૂલ્યું હતું કે એ સોનું તેને એ પૅસેન્જરે આપ્યું હતું. કસ્ટમ્સ ઍક્ટ હેઠળ એ બન્નેની ધરપકડ
કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.