મહારાષ્ટ્રના ભાંડુપમાં આવેલી સાવિત્રીબાઈ ફૂલે મેટરનિટી હોસ્પિટલમાં ‘સેપ્ટિક શોક’નો પ્રકોપ જાવા મળ્યો છે. આ ભયંકર રોગને કારણે છેલ્લા ત્રણ દિવસમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટનાની ગંભીરતાને સમજીને શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ તાત્કાલિકઅસરથી તબીબી અધિકારીને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી અને હોસ્પિટલમાં નવજાત શિશુઓના મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ‘સેપ્ટિક શોક’ ત્યારે થાય છે, જ્યારે સંક્રમણને કારણે દર્દીનું બ્લડ પ્રેશર જીવલેણ સ્તરે આવી જાય છે.એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભાંડુપની સાવિત્રીબાઈ ફૂલે મેટરનિટી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં સેપ્ટિક શોકને કારણે ચાર શિશુઓ કથિત રીતે મૃત્યુ પામ્યા છે. આ ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે. દરમિયાન ભાજપે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. બીજેપી સાંસદ મનોજ કોટકે હોસ્પિટલની મુલાકાત લીધી અને બીએમસી પર સવાલો ઉઠાવ્યા અને તપાસની માગ કરી છે. હોસ્પિટલમાં બાળકોના મોતથી ગુરુવારના રોજ રાજ્યની વિધાનસભા હચમચી ઉઠી હતી. વિપક્ષની ટીકા બાદ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગણી બાદ શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ મેડિકલ ઓફિસરને સસ્પેન્ડ કરવાની અને આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરી હતી.વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે, સિવિલ હોસ્પિટલમાં એનઆઇસીયુની કામગીરીમાં ક્ષતિઓ છે. તેમણે કહ્યું કે, પ્રશાસને એનઆઈસીયુની યોગ્ય કામગીરી પર પૂરતું ધ્યાન આપ્યું નથી. અન્ય સભ્યોએ પણ ફડણવીસને સમર્થન આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે, હોસ્પિટલ પ્રશાસન બાળકોના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવામાં નિષ્ફળ રહ્યું છે, હવે માતા-પિતાને કહેવામાં આવી રહ્યું છે કે, બાળકોનું મૃત્યુ કોઈ સંક્રમણને કારણે થયું છે.