ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ મુંબઈ દ્વારા મુંદ્રા પોર્ટ ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં દુબઈથી આવેલા ૧૨૪થી વધુ કન્ટેનરોમાંથી ૨૩૫૯ મેટ્રિક ટન ડીઝલનો જથ્થો ઝડપાયો છે. આ જથ્થાની અંદાજિત કિંમત ૧૪ કરોડ રૂપિયા છે. આ ઘટનાએ દાણચોરીના નેટવર્કમાં ફફડાટ ફેલાવ્યો છે, અને ડીઆરઆઇએ આયાતકાર કંપનીના એક ડાયરેક્ટરની ધરપકડ કરી છે.
માહિતી અનુસાર ડીઆરઆઇ મુંબઈને ગુપ્ત માહિતી મળી હતી કે દુબઈથી મુંદ્રા પોર્ટ પર આવેલા કન્ટેનરોમાં ગેરકાયદેસર રીતે ડીઝલની આયાત કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે ડીઆરઆઇએ તાત્કાલિક ૧૨૪થી વધુ કન્ટેનરો રોકી દીધા અને તેમાંથી સેમ્પલ લઈ વડોદરા સ્થિત લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા. કન્ટેનરોના બિલ ઓફ લેડિંગમાં કાર્ગોને હેવી એરોમેટિક ઓઈલ તરીકે દર્શાવવામાં આવ્યું હતું, જેના પર ઓછી કસ્ટમ ડ્યુટી લાગે છે. જાકે, લેબોરેટરી રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ જથ્થો હેવી એરોમેટિક ઓઈલ નહીં, પરંતુ ડીઝલ છે, જેના પર વધુ કસ્ટમ ડ્યુટી લાગુ પડે છે.આ ખુલાસા બાદ ડીઆરઆઇએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને કંડલા કાસેઝ ખાતે આવેલી એક યુનિટ ધરાવતી આયાતકાર કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરી. આ ઘટનાએ દાણચોરીના નેટવર્કના મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે, જેમાં ખોટી ડિક્લેરેશન દ્વારા કસ્ટમ ડ્યુટીની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ડીઝલની આયાત પર ભારતમાં ઊંચી કસ્ટમ ડ્યુટી લાગુ પડે છે, જ્યારે હેવી એરોમેટિક ઓઈલ જેવા ઉત્પાદનો પર નીચી ડ્યુટી લાગે છે. આયાતકારોએ આ તફાવતનો લાભ લેવા માટે ડીઝલને હેવી એરોમેટિક ઓઈલ તરીકે ડિક્લેર કરીને સરકારને લાખો રૂપિયાની ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. ૨૩૫૯ મેટ્રિક ટન ડીઝલના આ જથ્થાની બજાર કિંમત આશરે ૧૪ કરોડ રૂપિયા છે, જેના પર લાગુ થતી કસ્ટમ ડ્યુટી અને દંડની રકમ આ રકમથી પણ વધુ હોઈ શકે છે.







































