અમરેલી જિલ્લાના અનેક રહેવાસીઓ સુરતમાં સ્થાયી થયા છે અને પ્રસંગોપાત માદરે વતન પધારતા હોય છે. હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે અનેક સુખી સંપન્ન પરિવારો કાર લઇને જ વતન આવતા હોય છે. હાલ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા મુંજીયાસરના વતની કમલેશભાઈ વલ્લભાઈ સાવલીયા (ઉ.વ.૪૬) ફોરવ્હીલ કાર લઇને ભેંસાણ તાલુકાના ગોરવીયાણી ગામે લગ્ન પ્રસંગમાંથી વતન ગામ આવતા હતા ત્યારે ધારગણી ગામ બહાર નીકળતાં કારમાં અચાનક આગ લાગી હતી. જોકે સમયસૂચકતા વાપરીને તેઓ બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો. ચલાલા પોલીસ સ્ટેશને જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હેડ કોન્સ્ટેબલ આર.વી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.