“અરે વાહ! કેવી મજાની સરસ કેરી છે! પીળી પીળી ને ચમકદાર! આ કેરી સરસ મજાની મીઠ્ઠી હશે! જો મને ખાવા મળી જાય તો કેવી મજા પડે ભાઈ મજા પડે!” – આંબા પર ટોચે લટકતી પીળી પાક્કી કેરી જોઈ મીઠુના મોંમાં પાણી આવી ગયું. મીઠુ એક લીલા રંગનો સુંદર પોપટ હતો. મીઠુ ખૂબ જ મજાનો અને મીઠી બોલી બોલતો પોપટ હતો. તે રમતો, ઊડતો અને મીઠુ-મીઠુ બોલતો.
મીઠુને કેરી ખાવી ખૂબ ગમતી. ઉનાળાની ઋતુ આવે એટલે આંબા પર કેરીઓ લૂમેઝૂમે. મીઠુ રોજ આંબા પર જઈને બેસે ને મીઠી-મીઠી કેરીઓ ખાય. મીઠુને કેરી ખાતો જોઈ બીજાં પક્ષીઓ કહેતાં, “મીઠુ, જ્યારે જુઓ ત્યારે બસ તું કેરી જ ખાય છે!” મીઠુ હસીને કહેતો, “ભાઈ, મીઠી ને રસદાર કેરી ખાવી કોને ન ગમે! મીઠી-મીઠી કેરી ખાવાની મજા જ કંઈક જુદી છે! લ્યો, તમે પણ ખાવ મીઠી ને રસદાર કેરી!” એમ કહેતો મીઠુ વળી પાછો કેરી ખાવામાં મસ્ત થઈ જતો. જ્યારે જુઓ ત્યારે મીઠુ કોઈ આંબે કેરી ખાતો હોય.
એક વખત તેની નજર એક કેરી પર પડી. આ કેરી છેક ટોચ પર પાતળી ડાળે લટકતી હતી. સરસ મજાની કેરી જોઈ મીઠુને એ કેરી ખાવાનું મન થયું. પીળી ને મીઠી કેરી ખાવા મીઠુનું મન લલચાયું. મીઠુ ઊડયો ને ઝાડ પર જઈ બેઠો. પરંતુ એ કેરી ખૂબ ઊંચે હતી. મીઠુએ એ કેરી સુધી પહોંચવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તે કેરી સુધી ન પહોંચી શક્યો. આખરે એ થાક્યો. એને થયું,“અરેરે! મને પીળી-પીળી મીઠી-મીઠી કેરી ખાવા મળશે કે નહીં! હવે શું કરું તો આ કેરી સુધી પહોંચાય!”
મીઠુના દાદા આ બધું જોતા હતા. તેમણે થાકેલા મીઠુને પૂછ્યું, “શું થયું મીઠુ? તું આમ ઉદાસ કેમ બેઠો છે?”
મીઠુએ દાદાને માંડીને વાત કરી. દાદાએ હસીને કહ્યું, “અરે મારા લાડકા! એક નાનકડી કેરી ન મળી એમાં તું આટલો ઉદાસ થઈ ગયો. જો મીઠુ, ધીરજ અને યોગ્ય પ્રયત્નો કરતા રહીએ તો ચોક્કસ સફળતા મળે જ.”
દાદાની વાત સાંભળી મીઠુ હરખાયો. એણે તરત દાદાને કહ્યું, “તો દાદા, તમે જ મને કેરી સુધી પહોંચવાનો ઉપાય બતાવો ને!”
દાદાએ કહ્યું, “જો બેટા! તું હજુ ઘણો નાનો છે. એક ડાળથી બીજી ડાળ અને ઝાડની છેક ટોચે પહોંચતાં તારે શીખવાનું છે. ધીરેધીરે તું પ્રયત્ન કરીશ તો તું ચોક્કસ મીઠી કેરી સુધી પહોંચી જઈશ.”
મીઠુને દાદાની સલાહ યોગ્ય લાગી. મીઠુએ સલાહ મુજબ ધીરજપૂર્વક કેરીની નજીકની ડાળ પર પહોંચવા પ્રયત્ન કર્યા. આખરે એ સફળ થયો. છેક ટોચે લટકતી કેરી સુધી એ પહોંચી ગયો. મીઠુના આનંદનો પાર નહોતો.
મીઠુએ મીઠી-મીઠી કેરી ખાધી ને મજા કરી.