એક સમયે પોસ્ટ ખાતામાં પીનકોડનું ભારે મહત્વ હતું હવે બિલ્ડીંગ કોડ બનશે અને માત્ર આ કોડનાં આધારે દેશમાં ગમે ત્યાં ટપાલ, રજીસ્ટ્રર એડી, પાર્સલ વગેરે ફટાફટ પહોંચી જશે : લાંબા લચક સરનામાં પણ ગૌણ બની જશે.
આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, હેલ્થ કાર્ડ, રેશન કાર્ડ, ઇ-શ્રમિક કાર્ડ વગેરે કાર્ડમાં માણસની ઓળખ નંબર સાથે થાય છે એજ રીતે હવે દરેક વ્યકિતને એક નેશનલ યુનિકાર્ડ આપી દેવાશે તો વસ્તી ગણતરી પણ નહીં કરવી પડે.
વ્યકિત, સ્થળ, વસ્તુ વગેરેનાં નામ પરથી આપણાં દિમાગમાં એક ચોકકસ ઇમેજ ઉભી થાય છે. પાઉડર ગલી કે ગોર શેરી શબ્દ સાંભળતાની સાથે તમે તે શેરી જોયેલી હોય કે ન જોયેલી હોય તમારા મનમાં એક કલ્પનામુલક ચિત્ર ઉપસ્થિત થાય છે. મકાનનું નામ સાંભળતાની સાથે પણ તમારા દિમાગમાં એક પિકચર ક્રિએટ થાય છે. પરંતુ હવે તમારો આ માઇન્ડ સેટ જુનો-પુરાણો થઇ જશે. ર૧મી સદી જેમ જેમ આગળ વધતી જશે. તેમ તેમ વ્યકિત, વસ્તુ, સ્થળનાં નામકરણ ધીમે – ધીમે અંકભૂત બનતા જશે. તેમને ખ્યાલ નથી. પણ આ બાબતની પ૦ ટકા પ્રક્રિયા ઓલરેડી દુનિયામાં અમલમાં મુકાઇ ચુકી છે. બધીજ ઓળખો હવે અંક આધારીત થઇ રહી છે. અંકનો મતલબ થાય છે ડીઝીટ. અને એટલે જ આજનાં યુગને ડીઝીટલ યુગ કહેવામાં આવે છે…
આ વાત એવા સમયે ઉપસ્થિત બને છે કે જયારે દેશનાં પોસ્ટ વિભાગે એવી જાહેરાત કરી છે કે તેઓ હવે ભારતનાં દરેક ઘરને એક યુનિક ડિઝીટલ કોડ આપશે. આગામી દિવસોમાં પોસ્ટલ એડે્રસમાં લખાતો પીનકોડ ઇતિહાસ બની જશે. ભારતમાં એક સર્વે અનુસાર હાલમાં ૩૫ કરોડ રહેણાંક મકાન છે. આ ઉપરાંત બીજા એટલા જ વેપારી મકાનો કે દુકાનો આ તમામ મળીને દેશમાં લગભગ ૭પ કરોડ બિલ્ડીંગ્સ છે. આગામી વર્ષોમાં આ સંખ્યા કદાચ ૧૦૦ કરોડ થશે. આ તમામ સંભાવનાઓને ઘ્યાનમાં રાખીને પોસ્ટ ખાતું દરેક મકાનને એક ડિઝટલ કોડ એટલે કે નંબર આપશે. ડિઝીટલ યુગમાં આ એક ક્રાંતિ હશે. આનાથી એક સમયે, અને આજે પણ, જે નામનું મહત્વ હતું તે રહેશે નહીં. ૬ આંકડાનાં પીનકોડમાં પોસ્ટખાતું એક ચોકકસ વિસ્તાર નકકી કરતું હતું. હવે ૧ર આંકડાનાં બિલ્ડીંગ કોડ સાથે પોસ્ટખાતું ચોકકસ મકાનનું ચોકકસ સ્થળ નકકી કરશે. એટલે કે જો મકાનનો નંબર પરફેકટ લખવામાં આવે તો એ મકાનનો નંબર માત્ર લખવાથી દેશમાં કોઇપણ સ્થળે ટપાલ પહોંચી જશે. એટલે કે અત્યાર સુધી ફલાણા-ફલાણાભાઇ, મકાનનું નામ, શેરી નંબર એકસવાયઝેડ, ફલાણાની બાજુમાં, ઢીકણાંની સામે, એબીસી નગર, એકસ શહેર, પીનકોડ-એબીસીએકસવાયઝેડ વગેરે ટાઇપનું ચારથી સાત લીટીનું એડે્રસ લખતા હતાં તે હવે નામશેષ થઇ જશે. હવે માત્ર મકાન નંબર લખવાનો અને ટપાલ કે પરબીડીયું કે પાર્સલ રવાના કરી દેવાનું. નંબર જોનાર ટપાલી સિવાય લગભગ કોઇને ખબર જ નહીં હોય કે આ કોની ટપાલ કે પાર્સલ છે. એટલે સલામતીની દ્રષ્ટીએ પણ ઇટ્સ ગ્રેટ…
આ રીતે ટપાલ ખાતાએ એક ક્રાંતિકારી છલાંગ ભરવાની તૈયારી કરી છે. આનાથી દેશનાં ડિઝીટલાઇઝેશનમાં એક મહત્વનો વધારો થાય છે. કારણ કે આપણું અંકીકરણ ર૧મી સદીની શરૂઆતથી જ વેગ પકડી ચુકયું છે. આપણી ડિઝીટલ ઓળખ ઘણી બધી રીતે સ્થાપિત થઇ ચુકી છે. જેમકે આપણે આપણા આધારકાર્ડ નંબરથી ઓળખાઇએ છીએ. આપણે આપણાં ચૂંટણીકાર્ડ નંબરથી પણ ઓળખાઇએ છીએ. બેંક એકાઉન્ટન નંબર પણ આપણા નામની સાથે આપણને અપાયેલો એક નંબર છે. દરેક જગ્યાએ આપણે નામથી નહીં નંબરથી ઓળખાતાં થઇ ગયા છીએ. આ રીતે આપણને છુટક-ત્રુટક નંબરો તો અપાઇ જ ગયાં છે. હવે દરેક વ્યકિતને એક નેશનલ યુનિક નંબર (અને એ પછીના તબકકે ગ્લોબલ નંબર, અને બે ત્રણ પેઢી પછી પૃથ્વીવાસીઓ અન્ય ગ્રહો ઉપર રહેવા જતાં થાય પછી કોસ્મીક નંબર) આપવાના જ બાકી છે. આ થઇ જાય પછી બંટી ૧ર૨૫૪૮૭૮૨૫૭૯ અને બબલી ૫૯૭૮૪૬૨૧૫૮૫૯ કે એવા કોઇ આંકડાથી ઓળખાશે. અમિતાભ બચ્ચન કે નરેન્દ્ર મોદી પણ ૫૯૮૬૩૨૧૪૫૮૭૯ કે એવા કોઇ આંકડાથી ઓળખાશે. આ રીતે નામ જેટલું જ અથવા તો નામ કરતાં પણ વધારે મહત્વ આંકડાનું હોય એવા યુગમાં આપણે પ્રવેશી પણ ચુકયા છીએ અને તેમાં આગળ પણ વધી રહયાં છીએ… આગે આગે ગોરખ જાગે… આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, હેલ્થ કાર્ડ, રેશન કાર્ડ, ઇ-શ્રમિક કાર્ડ વગેરે કાર્ડમાં માણસની ઓળખ નંબર સાથે થાય છે એજ રીતે હવે દરેક વ્યકિતને એક નેશનલ યુનિકાર્ડ આપી દેવાશે તો વસ્તી ગણતરી પણ નહીં કરવી પડે કારણ કે નંબરો અપડેટ થતાં જશે તેમ દેશમાં કેટલી વસ્તી છે અને તેમાં કેટલા સ્ત્રીઓ, પુરૂષો છે વગેરે ડેટા આપોઆપ રોજેરોજ અપડેટ થતો રહેશે. અને આના કારણે વસ્તી ગણતરી કરવાનું સરકારનું કરોડોનું બજેટ બચી જશે. ખાસ કરીને શિક્ષકોએ આનાથી વસ્તી ગણતરી કરવા નિકળી પડવું નહીં પડે આવા અનેક ફાયદા નેશનલ યુનિક આઇડીથી થશે. ભવિષ્યમાં તમામ દેશોને સાંકળીને દરેક વ્યકિતનો એક અલગ આઇડી કોડ પણ બનાવી શકાશે. જેનાથી વિશ્વની વસ્તી કેટલી છે તેનો આંક રોજેરોજ અપડેટ થઇ શકશે. ભવિષ્યમાં મનુષ્ય અન્ય ગ્રહો ઉપર રહેતો થશે તો યુનિક ગ્લોબલ આઇડી નંબર પણ આપી શકાશે. આવું ઘણું બધું થઇ શકશે. ઇન શોર્ટ, માણસ નામને બદલે આંકડાથી ઓળખાતો થશે. મિસ્ટર મોન્ટુને બદલે તમે મિ. 27739033 તરીકે ઓળખાતા થાવ એમ પણ બને….