ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પિજકોવા ‘મિસ વર્લ્ડ’ બની ગઈ.
મુંબઈના જીયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧૧૨ દેશોની સુંદરીઓ વચ્ચે વિશ્વની શ્રેષ્ઠ સુંદરી બનવા માટે યોજાયેલી ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં મિસ ચેક રિપબ્લિક ક્રિસ્ટિના પિજકોવાએ ‘મિસ વર્લ્ડ’નો ખિતાબ જીત્યો જ્યારે મિસ લેબનોન યાસ્મિના ઝેઈટૌન ફસ્ટ રનર અપ રહી હતી. ભારત તરફથી ફેમિના મિસ ઈન્ડિયા-૨૦૨૨ વિજેતા સિની શેટ્ટી ‘મિસ વર્લ્ડ’ બનવા મેદાનમાં ઉતરી હતી અને ટોપ-૮માં પહોંચી ગઈ હતી પણ ‘મિસ વર્લ્ડ’ બનવામાં સફળ ના રહી.
આ ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધાનું ૧૦૦ થી વધુ દેશોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને કરણ જોહર તથા મેગન યંગ જેવી સેલિબ્રિટી હોસ્ટ હતા. ‘મિસ વર્લ્ડ’ નક્કી કરવા માટેની ૧૨ જજોની જ્યુરીમાં રજત શર્મા, ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા, અભિનેત્રી ક્રિતી સેનન, બિઝનેસમેન વિનીત જૈન સહિતની સેલિબ્રિટી હતી. બોલીવુડ, સ્પોટ્‌ર્સ અને બીજાં ક્ષેત્રોની સેલિબ્રિટીઝ પણ ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં હાજર હતી પણ ‘મિસ વર્લ્ડ’ માટે પહેલાં ઉભો થતો હતો એવો કોઈ ક્રેઝ જ ના જોવા મળ્યો.

ભારતીયોની ‘મિસ વર્લ્ડ’ તરફની ઉદાસીનતા પરથી લાગે છે કે, એક સમયે ભારે ઉત્તેજના જગાવતી ‘મિસ વર્લ્ડ’ જેવી સ્પર્ધાઓનાં વળતાં પાણી થઈ ગયાં છે. આ સ્પર્ધાઓની હકીકત લોકો સામે ઉઘાડી પડી ગઈ છે તેથી લોકોને તેમાં રસ રહ્યો નથી. ભારતમાં ૨૮ વર્ષ પછી ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધા યોજાઈ રહી હોવા છતાં તેની નોંધ પણ ના લેવાય એવી સ્થિતિ આવી ગઈ છે. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન જુલિયા મોર્લીએ જાહેરાત કરી હતી કે મિસ વર્લ્ડ ૨૦૨૩ યુએઈમાં યોજાશે. યુએઈમાં વિરોધ થતાં ૮ જૂન ૨૦૨૩ના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે, હવે યુએઈના બદલે ભારતમાં ફાઈનલ યોજાશે. એ વખતે પણ લોકોને તેમાં રસ નહોતો પડ્‌યો ને હવે ફાઈનલ યોજાઈ ત્યારે પણ રસ ના પડ્‌યો.
ભારતમાં ૧૯૯૬માં પહેલી વાર ‘મિસ વર્લ્ડ’ યોજાઈ હતી ત્યારે જબરદસ્ત ક્રેઝ હતો. હિદી ફિલ્મોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને બનાવેલી અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (એબીસીએલ) દ્વારા ‘મિસ વર્લ્ડ’ ઈવેન્ટનું આયોજન બેંગલુરુમાં કરવામાં આવ્યું ત્યારે મહિનાઓ પહેલાંથી તેની પબ્લિસિટી શરૂ થઈ ગઈ હતી. ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં શું થયું તેના રોજેરોજના સમાચારો અખબારોમાં આવતા હતા જ્યારે આ વખતે તો ‘મિસ વર્લ્ડ’ની ફાઈનલ કઈ તારીખે યોજાવાની છે તેની જ કોઈને ખબર નહોતી, બલ્કે ભારતમાં યોજાવાની છે એ વિશે જ લોકો અજાણ હતાં.
૧૯૯૬ની ‘મિસ વર્લ્ડ’ વખતે ક્રેઝ હતો તેનું કારણ એ હતું કે, ૧૯૯૧માં ઉદારીકરણ બાદ ભારતીય બજાર ઝડપથી વિકસી રહ્યું હતું અને મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં આવી રહી હતી. ૧૯૯૪માં ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેને મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. આ બે મોટા એવોર્ડ ભારતીય સુંદરીઓને મળતાં ભારતમાં ‘મિસ વર્લ્ડ’ સહિતની સ્પર્ધાઓની અચાનક લોકપ્રિયતા વધી ગઈ હતી. એ પછીનાં વરસોમાં પણ ભારતીય સુંદરીઓ ‘મિસ વર્લ્ડ’ અને ‘મિસ યુનિવર્સ’ જેવા ટાઈટલ જીતી તેના કારણે ભારતીયોને રસ પડતો પણ હવે એ રસ સાવ ઉડી ગયો હોય એવું લાગે છે.

‘મિસ વર્લ્ડ’ સહિતની બ્યુટી પેજન્ટ કેમ નિરસ બની ગઈ?
આ સવાલનો જવાબ એ છે કે, પહેલા લોકો ‘મિસ વર્લ્ડ’ સહિતની સ્પર્ધાઓને સાચે જ સૌંદર્ય સ્પર્ધા માનતા પણ ધીરે ધીરે લોકોને ખબર પડી ગઈ કે, આ તો બધો દુનિયાની મોટી કંપનીઓનો પોતાનો ધંધો વધારવાનો ખેલ છે.
‘મિસ વર્લ્ડ’ સહિતની સ્પર્ધાઓને લોકપ્રિય બનાવવાનો યશ પોતાની રંગીન તબિયત માટે જાણીતા અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાય છે. ટ્રમ્પે અંગત જીંદગીમાં બહુ અય્યાશીઓ કરી છે. બેફામ પૈસો હોવાના કારણે ટ્રમ્પે જીંદગીમાં જલસા જ જલસા કર્યા. યુવાન મોડલોને તક આપવાના બહાને ટ્રમ્પ તેમની સાથે મજા કરતા ને પૈસા ઉડાડતા. ટ્રમ્પને સુંદરીઓ વચ્ચે રહેવું ગમતું તેથી તેમણે પછી મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓ યોજવા માંડી. ટ્રમ્પે જબરદસ્ત માર્કેટિંગના જોરે આ સ્પર્ધાઓને લોકપ્રિય બનાવી હતી. ટ્રમ્પે મિસ વર્લ્ડ સહિતની સ્પર્ધાઓમાં સૌંદર્ય સ્પર્ધાઓ સ્ત્રીઓ માટેની પ્રોડક્ટ બનાવતી કંપનીઓને સ્પોન્સર બનાવી, લાઈવ ટેલીકાસ્ટ કરાવ્યું ને એ બધું કરાવીને તેમને લોકપ્રિય બનાવી પછી દુનિયાભરની કંપનીઓ તેનો ફાયદો લેવા કૂદી પડી.
મોટી કંપનીઓ પોતાને ફાયદો ના હોય એવી કોઈ પણ વાતમાં હાથ નથી નાંખતી ટ્રમ્પે કોસ્મેટિક કંપનીઓ, મહિલાઓનાં આંતરવસ્ત્રો બનાવતી કંપનીઓ, ફેશન બ્રાન્ડ્‌સ વગેરે પાસે આ સ્પર્ધાઓને સ્પોન્સર કરાવી ને બદલામાં તેમની બ્રાન્ડ્‌સને લોકપ્રિય બનાવી. જે દેશમાં મોટું માર્કેટ હોય એ દેશની સુંદરીઓને તાજ પહેરાવીને કંપનીઓનો ફાયદો કરાવાતો ને બદલામાં કંપની પાછળ તગડો ખર્ચ કરતી. એ રીતે આખો ખેલ શરૂ થયો ને અત્યારે તો આ સ્પર્ધાઓ સંપૂર્ણપણે કોમર્શિયલ બની ગઈ છે.
અત્યારે આ સ્પર્ધાઓમાં બિકિની પહેરીને છોકરીઓને જોવા આખી દુનિયાના લોકો ટીવી કે સોશિયલ મીડિયા પર બેસી જાય છે. તેમાં સ્પોન્સર કરનારી કંપનીઓની ધૂમ પબ્લિસિટી થાય છે. સરવાળે તેમનો થોકબંધ માલ ખપે છે ને કંપનીઓ પોતે કરેલા રોકાણ કરતાં અનેક ગણું વળતર મેળવે છે. આ બિઝનેસ છે ને બિઝનેસ ચલાવવા માટે કંપનીઓ પોતાનું ધાર્યું કરાવીને સૌંદર્ય સ્પર્ધાઓમાં ફિક્સિંગ કરાવતી પણ હશે. કોઈને તેની સામે વાંધો નથી ને વરસો વરસ આ સ્પર્ધાઓ આ રીતે યોજાયા જ કરે છે. પહેલાં લોકોને આ વાતોની ખબર નહોતી પણ હવે ખબર પડી ગઈ છે.

એક સમયે ભારતીય સુંદરીઓનો સૌંદર્ય સ્પર્ધાઓમાં દબદબો રહેતો.
વિશ્વમાં મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ અર્થ અને મિસ ઈન્ટરનેશનલ એ ચાર મુખ્ય બ્યુટી પેજન્ટ ગણાય છે. આ પૈકી ભારતીય સુંદરીઓએ મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ અર્થ એ ત્રણ સ્પર્ધા જીતી છે જ્યારે હજુ સુધી કોઈ ભારતીય સુંદરી મિસ ઈન્ટરનેશનલ નથી બની.
ભારતમાં આર્થિક ઉદારીકરણ ૧૯૯૧માં આવ્યું પછી દુનિયાભરની કંપનીઓને ભારતનું માર્કેટ સર કરવામાં રસ હતો તેથી આર્થિક ઉદારીકરણના એક દાયકા લગી ભારતીય સુંદરીઓનો વટ હતો. તેના કારણે અત્યાર સુધીમાં ભારતની છ સુંદરીઓ મિસ વર્લ્ડનો તાજ જીતી ચૂકી છે તેમાંથી ચાર તો આ દાયકામાં જ જીતી. રીટા ફારિયાએ ૧૯૬૬માં પહેલીવાર મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. એ પછી ૧૯૯૪માં ઐશ્વર્યા રાયે મિસ સ્પર્ધા જીતી હતી. ડાયના હેડને મિસ વર્લ્ડનો તાજ ૧૯૯૭માં પહેર્યો હતો જ્યારે યુક્તા મુખી ૧૯૯૯માં મિસ વર્લ્ડ બની હતી. ૨૦૦૦માં પ્રિયંકા ચોપરા અને ૨૦૧૭માં માનુષી છિલ્લર પણ મિસ વર્લ્ડ બની હતી. ભારતમાંથી સુસ્મિતા સેન (૧૯૯૪) અને લારા દત્તા (૨૦૦૦) મિસ યુનિવર્સ બનેલી એ પણ આર્થિક ઉદારીકરણના દાયકામાં જ બની એ જોતાં ભારતે ૧૦ વર્ષમાં ૬ બ્યુટી પેજન્ટ જીતી હતી. ભારતની નિકોલ ફારીયા ૨૦૧૦માં મિસ અર્થ બનેલી.
જૌ કે સૌંદર્ય સ્પર્ધાઓમાં અસલી દબદબો વેનેઝુએલા, બ્રાઝિલ વગેરે લેટિન અમેરિકન દેશોનો છે.
આપણે પશ્ચિમના દેશોની સુંદરીઓને જોઈને ફિદા ફિદા થઈ જઈએ છીએ પણ અમેરિકા સહિતના પશ્ચિમના દેશોના પુરૂષો લેટિન અમેરિકન દેશોની યુવતીઓને સૌથી ખૂબસૂરત માને છે, આ યુવતીઓમાં પણ વેનેઝુએલા ટોચ પર છે. વેનેઝુએલાની સુંદરીઓ દુનિયાભરમાં તેમના પરફેક્ટ ફિગર માટે જાણીતી છે ને દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો વેનેઝુએલા વિશ્વ સુંદરીઓના દેશ તરીકે જાણીતો છે. વેનેઝુએલા જેટલી વિશ્વ સુંદરી બીજા કોઈ દેશે નથી આપી. વેનેઝુએલાની સુંદરીઓ ૭ વાર મિસ યુનિવર્સ, ૬ વાર મિસ વર્લ્ડ, ૯ વાર મિસ ઈન્ટરનેશનલ અને ૨ વાર મિસ અર્થ બની છે. કુલ મળીને વેનેઝુએલાની સુંદરીઓએ ૨૪ ટાઈટલ જીત્યાં છે. ફિલિપાઈન્સની સુંદરીઓ પણ ૪ વાર મિસ યુનિવર્સ, ૧ વાર મિસ વર્લ્ડ, ૬ વાર મિસ ઈન્ટરનેશનલ અને ૪ વાર મિસ અર્થ બની છે. કુલ મળીને ફિલિપાઈન્સની સુંદરીઓએ ૧૫ ટાઈટલ જીત્યાં છે.
વેનેઝુએલા કે ફિલિપાઈન્સની સુંદરીઓને કેમ આ ટાઈટલ મળે છે ?
આ દેશો મુક્ત જીવનશૈલી માટે જાણીતા છે તેથી ચોક્કસ પ્રકારનું ટુરિઝમ વિકસ્યું છે. તેનો પ્રચાર કરવા આ દેશો પર મહેરબાની બતાવાય છે.