અમરેલી શહેરમાં પ્રેમલગ્ન બાદ થયેલા છૂટાછેડાના કેસમાં સાક્ષી બનેલા એક યુવક પર પાંચ જેટલા શખ્સોએ હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. આરોપીઓએ જૂનું મનદુઃખ રાખીને આ કૃત્ય આચર્યું હતું. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. વિમલભાઇ પ્રિતમભાઇ આચાર્યએ જિગ્નેશભાઇ બાબુભાઇ ગોસાઇ, કરણભાઇ ચાંગોદર, કાજલબેન, જીગ્નેશભાઇની માતા તથા જિગ્નેશભાઇના બેન સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના મિત્રએ જિગ્નેશભાઈ ગોસાઈની ભત્રીજી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, બાદમાં તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને તેઓ આ છૂટાછેડાના કેસમાં સાક્ષી બન્યા હતા. આ બાબતનું આરોપીને મનદુઃખ હતું. આ મનદુઃખને ધ્યાનમાં રાખીને આરોપીઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. તેમને ઢીકા-પાટુનો માર માર્યો હતો તેમજ લોખંડની પાઈપ વડે આડેધડ મુંઢમાર માર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ વચ્ચે પડેલા સાહેદોને પણ ગળાચીપ દઈને ઝાપટો મારી હતી. તમામ પાંચેય આરોપીઓએ ભેગા મળીને તેમને બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ કાજલબેન જયેશભાઇ ગોસાઇએ સોનલબેન શૈલેષભાઇ ડોડિયા, શૈલેષભાઇ ડોડિયા, જય શૈલેષભાઇ ડોડિયા, વિમલભાઇ આચાર્ય તથા તૃપ્તીબેન જયભાઇ ડોડિયા સામે ફરિયાદ નોંધાવી હતી.








































