અર્જૂનભાઈ મોઢવાળિયાએ માહિતી ખાતાની ભરતીમાં થયેલી ગેરરીતી મુદ્દે પત્રકાર પરિષદ યોજી. તેમણે આરોપ લગાવ્યો કે આ નવું ભરતી કૌભાંડ કમલમ પ્રેરિત છે. અર્જૂનભાઈ મોઢવાળિયાએ કહ્યું કે આખા દેશમાં ક્લાસ ૧ અને ક્લાસ ૨ની ભરતી કરવાની હોય તો ભારતના અને આપણા રાજ્યોના કાનૂન મુજબ ભારત સરકાર યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરે છે અને રાજ્યો હોય તો રાજ્યોના પબ્લિક સર્વિસ કમિશન મારફતે ભરતી કરવાની હોય છે. અત્યાર સુધી આ પ્રક્રિયા જળવાઈ છે અને કાયદા મૂજબ ક્લાસ ૧-૨ની ભરતી પબ્લિક સર્વિસ કમિશન મારફતે જ કરાવવામાં આવે છે, બાકીની રીતે કાયદો સુધાર્યા વગર આવી ભરતી કરવામાં આવે તો ભરતી સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠરે છે.
અર્જૂનભાઈએ આગળ જણાવ્યું કે, આ વખતે પહેલીવાર એવું બન્યું કે માહિતી અધિકારીઓ જે ક્લાસ ૧, ૨ અને ૩ ત્રણેયની ભરતી કરવાની હતી, તેમની ભરતીની જવાબદારી પબ્લિક સર્વિસ કમિશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને આપવાના બદલે એમનમ ઠરાવ કરી (આ ઠરાવ સંપૂર્ણપણે કાનૂન વિરોધી છે) એના માટે એક ભરતી સમિતિ રાજ્ય સરકારે બનાવી. આની પાછળનો ઈરાદો મળતિયાઓને કમલમમાંથી જે યાદી આવે તે પ્રમાણે જ ભરતી થી શકે. વર્ગ ૧માં ૮ અધિકારીઓ અને વર્ગ ૨માં ૧૫ અધિકારીઓની ભરતી કરવાની હતી, તેના માટે ૧૨૦૦ જેટલા ઉમેદવારોએ અરજી કરી. રાજ્ય સરકારે પરીક્ષા લેવાને બદલે બહારની ખાનગી એજન્સીને હાયર કરી તેની પાસે પરીક્ષા લેવડાવી.
અર્જૂન મોઢવાળિયાએ સવાલ ઉઠાવ્યો કે રાજ્ય સરકાર પાસે પોતાનું પરીક્ષા બોર્ડ છે, પબ્લિક સર્વિસ કમિશનની વ્યવસ્થા છે છતાં તેના મારફતે પરીક્ષા લેવાને બદલે બીજી ખાનગી એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું, અને તેમાં મળતિયા લોકોને એક્ઝામિનર તરીકે મૂકવામાં આવ્યા. અર્જૂનભાઈએ પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી તે દિવસે પરીક્ષા કેન્દ્રો કોની-કોની અવર-જવર હતી તેની તપાસ થવી જાઈએ. વધુમાં તેમણે જણાવ્યું કે, ૧૨૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૧૩૮ લોકોનું મેરિટ લિસ્ટ તૈયાર કરીને તેમના પ્રમાણપત્રો ચકાસવામાં આવ્યાં અને તેમાંથી ૧૦૮ ઉમેદવારોને ઈન્ટર્વ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા હતા.
ઈન્ટર્વ્યૂ કમિટી બનાવી તે પાંચ સભ્યોની હતી તેમાં ૧ અધ્યક્ષ હતા અને ૩ નિવૃત્ત કર્મચારીઓ હતા જેઓ એક્સટેન્શન ઉપર છે. તેમણે આરોપ લગાવ્યો કે પેનલમાં બેઠેલા આ કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે પરંતુ રાજ્ય સરકારના આવાં ગેરકાયદેસર કામ કરવા માટે ત્યાં આખી ટોળકી ઉભી કરવામાં આવી છે, આ ઉપરાંત ઈન્ટર્વ્યૂ પેનલમાં બહારના એક નિષ્ણાંતને મૂકવામાં આવ્યા. ચેરમેન આ પ્રક્રિયામાં હાજર ના રહ્યા, નિષ્ણાંત એકાદ-બે દિવસ હાજર રહ્યા બાકી ગેરહાજર રહ્યા, એ સિવાય આખી ટોળકીએ બાકીના ઉમેદવારોનું ઈન્ટર્વ્યૂ લઈ મેરિટ યાદી બનાવી કાઢી.વધુમાં તેમણે કહ્યું કે, ૩૩ ટકા અનામત મહિલાઓ માટેની હતી ૨૭.૫ ટકા અનામત ઈબીસી માટેની હતી, ૧૪ ટકા અનામત એસસી અને એસટી માટેની હતી અને ૧૦ ટકા અનામત એસઈબીસી માટેની હતી. આ અનામતની જાગવાઈઓને પણ સંપૂર્ણપણે રફેદફે કરવામાં આવી. મરજી મુજબ તેમણે અનામતનો રેશિયો જાળવ્યા વગર મેરિટ લિસ્ટ બનાવી દેવામાં આવ્યું. પેનલમાં હાજર ત્રણ અધિકારીઓ સામે ગંભીર પ્રકારના આરોપો લાગ્યા હોવાનો પણ અર્જૂનભાઈ મોઢવાળિયાએ દાવો કર્યો છે. આગળ તેમણે કહ્યું કે, ઈન્ટર્વ્યૂમાં ૧૦૦ માર્ક્‌સ આપવાના હતા, જેમને લેખિતમાં સૌથી વધુ માર્ક્‌સ હતા તેમને ઈન્ટર્વ્યૂમાં ઘણા ઓછા માર્ક્‌સ અપાયા. પણ લેખિત પરીક્ષામાં જેના સૌથી ઓછા માર્ક્‌સ હોય તેવા ઉમેદવારને ૭૦ માર્ક્‌સ અપાયા. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એવી છે કે લેખિતમાં તમને ૮૦ માર્ક્‌સ આવ્યા હોય તો ઈન્ટર્વ્યૂનું વેઈટેજ માત્ર ૨૦ ટકાનું હોવું જાઈએ. એને બદલે તેનું વેઈટેજ વધારવામાં આવ્યું.
ઉદાહરણ આપતાં અર્જૂનભાઈ મોઢવાળિયાએ કહ્યું કે, ઈન્ટર્વ્યૂના ક્રમ ૨૨ના ઉમેદવારને લેખિતમાં ૧૯૭ છે અને ઈન્ટર્વ્યૂમાં હાઈએસ્ટ ૭૦ માર્ક્‌સ આપ્યા છે. જ્યારે ૨૪મા ઉમેદવારને પણ એ પ્રકારે જ માર્ક આપવામાં આવ્યા છે. જ્યારે મોટાભાગના ઉમેદવારોને ૨૦-૩૦ માર્ક્‌સ જ આપવામાં આવ્યા છે.અર્જૂનભાઈ મોઢવાળિયાએ આરોપ લગાવતા કહ્યું કે કમલમમાંથી જે લિસ્ટ અપાયું હોય અથવા તો પૈસા લઈને લિસ્ટ અપાયું હોય તે લોકોને અહ્યાં પસંદગી કરવામાં આવી છે. વધુ એક ઉદાહરણ આપતાં કહ્યું કે એક બહેન ડિપાર્ટમેન્ટલ જે પરીક્ષા આપવાની હોય તેમાં બે વખત નપાસ થયાં, જેમનું લેવલ ક્લાસ ૩નું છે, તેમને ક્લાસ ૧માં બીજા નંબરે પાસ કરી દેવામાં આવ્યાં.