અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા એમ.જી.ભટ્ટ ૩૭ વર્ષ સેવા આપ્યા બાદ આગામી તા.૩૧ના વયનિવૃત્ત થવાના હોય માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા ભટ્ટભાઈને શ્રીફળ, સાકર અને શાલ આપી સહકર્મીઓ દ્વારા યાદગીરીરૂપે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમરેલી માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સોનલ જોશીપુરાએ જણાવ્યું હતું કે, કચેરીના કામને સમયસર અને જવાબદારીપૂર્વક નિભાવનાર ભટ્ટભાઈ જેવા કર્મયોગીની ખોટ વર્તાશે. વયમર્યાદા અને પ્રક્રિયાના ભાગરૂપે નિવૃત્તિ અનિવાર્ય છે ત્યારે ભટ્ટભાઈનું નિવૃત્તિ બાદનું જીવન સ્વસ્થ અને નિરામય રહે તેવી શુભકામના આપુ છું. આ તકે ભટ્ટભાઈએ જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં આટલા વર્ષોની સેવા સહકર્મીઓના સહયોગને આભારી છે. આ પ્રસંગે અમરેલી માહિતી કચેરીના સ્ટાફમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.