ગુજરાતમાં આ વર્ષે પડેલા કમોસમી માવઠાએ ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનેક વિસ્તારોમાં મગફળી, ડુંગળી અને ઉનાળુ પાક પર ખાસ અસર જાવા મળી છે. સતત નુકસાનને કારણે ખેડૂતોની આર્થિક નબળી હાલત વધુ ગંભીર બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાક નિષ્ફળ જવાથી અંદાજે પાંચ જેટલા ખેડૂતો આપઘાત જેવું ગંભીર પગલું ભરી ચૂક્યા છે. તાજી ઘટના જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ઈશ્વરીયા (ગીર) ગામમાંથી સામે આવી છે. જ્યાં એક ખેડૂતે જીવન ટુંકાવી દીધું છે.મળતી માહિતી મુજબ ઈશ્વરીયા ગામના ૪૨ વર્ષીય શૈલેષભાઈ દામજીભાઈ સાવલિયાએ આર્થિક સંકડામણ સહન ન થતા પોતાના ખેતરમાં જ ઝેરી દવા પીને આપઘાત કર્યો. માત્ર દસ વીઘા જમીન ધરાવતા ખેડૂતએ મગફળી, ડુંગળી અને ઉનાળુ પાક તરીકે તલ અને અડદનું વાવેતર કર્યું હતું. પરંતુ માવઠાની અસર અને કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ રહ્યા હતા જેને લઈને તેઓ ઘણા સમયથી ઊંડી ચિંતામાં હતા. પાક બરબાદ થતા આવકનો કોઈ સ્ત્રોત ન બચ્યો હતો અને દેવાના બોજાએ બીજી તકલીફમઉમેરો કર્યો હતો.મૃતક ખેડૂતના પરિવારજનોના જણાવ્યા મુજબ શૈલેષભાઈ તેમના બે સંતાન, દીકરી અને દીકરાની સ્કૂલ ફીની ચિંતા સાથે સંઘર્ષ કરી રહ્યાં હતા. આવક વગર વધતા ખર્ચો અને માવઠાથી થયેલા નુકસાનનો બોજ તેમણે સંભાળી શક્યા ન હતા. પરિવારની જરૂરિયાતો પૂરી કરવાની દોડધામમાં તેઓ માનસિક રીતે તૂટી પડ્યા હતા. અંતે ખેતરમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવતાં સમગ્ર ગામમાં અરેરાટી ફેલાઈ હતી. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.ઘટના અંગે વિસાવદર પોલીસે આપઘાતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. ખેડૂતના મોતથી સમગ્ર પંથકમાં ચિંતા છવાઈ ગઈ છે, કારણ કે છેલ્લા સમયગાળા દરમિયાન ખેડૂતોના આપઘાતની ઘટનાઓ વધી રહી છે. માવઠાના આકરા મારથી ખેડૂતો ભારી નુકસાન વેઠી રહ્યા છે અને આર્થિક સંકડામણમાં ફસાઈ રહ્યા છે. પાક નિષ્ફળતા, વધતી ખેતી ખર્ચની ચિંતા અને બજારના અનિશ્ચિત માહોલ વચ્ચે ખેડૂતોની હાલત વધુ કફોડી બની રહી છે.










































