અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલિયાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને અમરેલી જીલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોમાં ભયંકર નુકશાન થયેલ છે તેનો તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર આપવા સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાને પત્ર લખીને ખેડૂતોના તૈયાર થયેલ મહામુલા પાકો જેવાકે, મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન, જુવાર, બાજરી અને ઘાસચારો સદંતર નાશ થયેલ છે, જેથી ખેડૂત સાવ ઓશીયાળો થઈ ગયેલ છે તેવા સંજોગોમાં ખેતીનો તાત્કાલિક સર્વે કરાવી ખેડુતોને યોગ્ય વળતર આપવા માટે માગણી કરી છે. ઉપરાંત આ સ્થિતિમાં કિમતી પશુધન બચાવવા ખેડૂત, પશુપાલક પાસે ઘાસચારાની કોઈ વ્યવસ્થા ન હોય તેવા સંજોગોમાં રાજ્ય સરકાર તાત્કાલિક ઘાસચારો પૂરો પાડે તેવી માગણી પણ કરી છે.










































