રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે આમ આદમી પાર્ટી (AAP)ના મહામંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી હિરેન વિરડીયાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે, ખેડૂતોને સહાય નહીં, પરંતુ ૧૦૦ ટકા વળતર આપવું જોઈએ. વિરડીયાએ કહ્યું હતું કે, તમામ ખેડૂતોનો પાક સો ટકા નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોના હાથમાં પાક આવ્યો નથી અને ઢોરના ખાવા માટે પણ કંઈ બચ્યું નથી. ખેડૂતોને જેટલું વળતર આપી શકો તેટલું ઓછું છે. ૧૦૦ ટકા નુકસાન થયું છે, તો અહીં સહાય નહીં, પણ પૂરેપૂરું ૧૦૦ ટકા મદદ કરવી પડે. તેમણે સરકારને અપીલ કરી છે કે, તાત્કાલિક સેટેલાઇટ સર્વે કરાવીને સમગ્ર પંથકના ભોગ બનેલા તમામ ખેડૂતોને ૧૦૦ એ ૧૦૦ ટકા વળતર આપવામાં આવે. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા ૩૧મી આૅક્ટોબરે કિસાન મહા પંચાયત યોજવામાં આવી રહી હોવાની જાહેરાત કરતાં વિરડીયાએ ખેડૂતોને આ લડાઈમાં મોટી સંખ્યામાં સમર્થન આપવા માટે આવવા અપીલ કરી છે.